Vadodara

વડોદરામાં વિકાસના નામે વિનાશક ટ્રાફિક! પરીક્ષા ટાણે જ ઠેર-ઠેર ખોદકામથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

Published

on

વડોદરા શહેરમાં હાલ વિકાસના કામોની એવી તે ‘ગંગા’ વહી રહી છે કે આખું શહેર જાણે ખોદકામનું મેદાન બની ગયું છે. એક બાજુ માર્ચ એન્ડિંગનું બજેટ પૂરું કરવાની ઉતાવળ છે, તો બીજી બાજુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની કારકિર્દીની પરીક્ષા! મહાનગરપાલિકાના આયોજન વગરના કામોને કારણે હવે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે રસ્તા પર ટ્રાફિક સાથે પણ જંગ લડવો પડશે.

વડોદરાના રસ્તાઓ પર હાલ ‘કામ ચાલુ છે’ ના બોર્ડની ભરમાર છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 20 જેટલી જગ્યાએ ખોદકામ કરી દેવામાં આવ્યું છે. 31મી માર્ચ પહેલા બજેટની રકમ વાપરી નાખવાના ઇરાદે કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે આગામી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાય તેવી પૂરેપૂરી ભીતિ છે.

🚧નવાપુરા વિસ્તારમાં વધુ એક રસ્તો બંધ:

કોર્પોરેશને આજે વધુ એક જાહેરાત કરતા નવાપુરા વિસ્તારનો મુખ્ય રસ્તો બંધ કર્યો છે. ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રેવિટી લાઈનની કામગીરી માટે:

  • બંધ રસ્તો: જૂની એસ.એસ.સી. કચેરી, મહાદેવ મંદિરથી એસ.આર.પી. કેમ્પસ પાસેના સાઈ મંદિર સુધી.
  • કારણ: મશીનરી અને મટીરીયલ રાખવાની જગ્યાના અભાવે આ રસ્તો તમામ પ્રકારના વાહનો માટે આજથી બંધ રહેશે.

📜વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એડવાઈઝરી:

શહેરમાં ઠેર-ઠેર ડ્રેનેજ અને રોડના કામો ચાલતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે. આ સંજોગોમાં:

“વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે પરીક્ષાના સમયે ટ્રાફિકમાં અટવાવાને બદલે ઘરેથી વહેલા નીકળવાનું આયોજન કરે, જેથી પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકાય.”

🧐રાજકીય અને વહીવટી કારણો:

એક તરફ સંસ્થાકીય ચૂંટણીઓ નજીક છે અને બીજી તરફ નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું છે. આ ‘ડેડલાઇન’ સાચવવાના ચક્કરમાં તંત્રએ આખા શહેરને બાનમાં લીધું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ડ્રેનેજ શાખા દ્વારા વૈકલ્પિક રસ્તાઓ વાપરવાની સૂચના તો અપાઈ છે, પરંતુ સાંકડી ગલીઓમાં ટ્રાફિકનું ભારણ વધતા વાહનચાલકોની હાલત કફોડી બની છે.

🫵વિકાસ જરૂરી છે, પરંતુ શું વિદ્યાર્થીઓની પરીક્ષાના સમયે જ આ આયોજન અનિવાર્ય હતું? તે એક મોટો પ્રશ્ન છે.

Trending

Exit mobile version