સ્થાનિકોમાં આક્રોશ:માત્ર VVIP માટે જ તંત્ર સક્રિય થતું હોવાના આક્ષેપો સાથે સામાન્ય પ્રજાની પાયાની સમસ્યાઓ અને ગંદકીના મુદ્દે તંત્રની ઉદાસીનતા સામે રોષ.
વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાંથી પસાર થનાર VVIP કાફલાની સુરક્ષા અને વ્યવસ્થામાં ગંભીર બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારી સામે આખરે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો કાફલો સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) થી બાય રોડ વડોદરા તરફ જવાનો હતો, ત્યારે ડભોઇ વિસ્તારમાં માર્ગ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ગંભીર લાપરવાહી સામે આવતા નગરપાલિકાના લાઈટ શાખાના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડભોઇના નાદોદી ભાગોળથી સિનોર ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર અંદાજે 12 જેટલા લાઈટના થાંભલાઓ ઉપર લાઈટો બંધ હાલતમાં જોવા મળી હતી. VVIP મુવમેન્ટ જેવા અત્યંત સંવેદનશીલ અને મહત્વના રૂટ પર આ પ્રકારે અંધારપટ રહેવો એ સુરક્ષા અને વહીવટી વ્યવસ્થા સામે મોટો સવાલ હતો. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લાઈટ શાખાના ઇન્ચાર્જ મહેશ વસાવાને 6 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કાર્યવાહી બાદ સ્થાનિક નાગરિકો અને કરદાતાઓમાં તંત્રની બેધારી નીતિ સામે ભારે રોષ અને ચર્ચાનો દોર શરૂ થયો છે. નાગરિકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, VVIP કે નેતાઓ માટે રાતોરાત સ્પીડમાં કામ થતું હોય છે, પરંતુ સામાન્ય નાગરિકો કે રોડ-રસ્તા પર રોજ અવરજવર કરતા લોકો માટે તંત્ર ક્યારેય આટલી ત્વરિત કાર્યવાહી કેમ નથી કરતું? અગાઉ પણ મુખ્યમંત્રીના કાફલાના રૂટ પરની ગંદકી છુપાવવા માટે માત્ર પતરાં મારીને દેખાડો કરવામાં આવ્યો હતો, જે પતરાં હટાવતા વાસ્તવિક ગંદકી આજે પણ યથાવત હોવાનું સામે આવ્યું છે. પાલિકાના ભ્રષ્ટાચાર અને રોડ-રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સામાન્ય પ્રજા વર્ષોથી હાલાકી ભોગવી રહી છે, છતાં ક્યારેય કોઈ સામાન્ય નાગરિકોની તકલીફ માટે અધિકારીઓ સામે આવા કડક પગલાં લેવાતા નથી તેવા લોકમુખે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.