- દબાણ નીતિનો ફિયાસ્કો: 14 મુખ્ય માર્ગો પર રાત્રે 11 વાગ્યા સુધી જ વેચાણની મંજૂરી હોવા છતાં રાત્રે 1:30 વાગ્યા સુધી બેફામ લારી-ગલ્લા અને ટેબલ-ખુરશીના દબાણો યથાવત.
- સ્ટ્રીટ વેન્ડર્સમાં મોટો ઉછાળો: 2019માં 22 હજારથી વધીને વેન્ડર્સની સંખ્યા 30 હજાર પહોંચી, નિયમોનો અમલ કરાવવામાં તંત્ર પાછળ પડ્યું.
- અમિતનગર સર્કલ પર બસોનો અડિંગો: P&T કોલોની રોડ પર ખાનગી ટ્રાવેલ્સ બસો રસ્તા વચ્ચે જ પાર્ક કરાતાં માર્ગો સાંકડા બન્યા અને અકસ્માતનો મોટો ભય.
- તંત્રની કાગળ પરની કાર્યવાહી: ટ્રાફિક જંક્શનના 30 મીટર વિસ્તારમાંથી દબાણ હટાવવાની અને લેફ્ટ ટર્ન ખુલ્લા રાખવાની સૂચનાઓનો કડક અમલ કરાવવામાં તંત્ર નિષ્ફળ
સંસ્કારી નગરી વડોદરા શહેરમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા અને જાહેર રસ્તાઓ પર થઈ રહેલા બેફામ દબાણોને ડામવામાં વડોદરા મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા છે. પાલિકાની જમીન-મિલકત શાખા દ્વારા જૂન 2026માં બહાર પાડવામાં આવેલી જાહેર નોટિસના પાંચ મહિના વીતી ગયા હોવા છતાં, નિયમોની અમલવારી કરાવવામાં વહીવટી તંત્રના હાથ ટૂંકા પડી રહ્યા છે.
પાલિકાની નોટિસ મુજબ શહેરના 14 મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા, પથારા પર પ્રતિબંધ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. સાથે જ ટેબલ, ખુરશી કે શેડ જેવા દબાણો દૂર કરવાની જોગવાઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ પ્રતિબંધિત માર્ગો પર શેડ બાંધીને ધંધા ચલાવવામાં આવી રહ્યા છે અને રાત્રે 11 ને બદલે મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી લારી-ગલ્લા ધમધમી રહ્યા છે. 2019માં ૨૨ હજાર ધરાવતા સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા વધીને 30 હજાર સુધી પહોંચી ગઈ છે, છતાં સર્કલ કે જંક્શનથી 30 મીટરના દબાણો હટાવવાના કે ‘લેફ્ટ ટર્ન’ ખુલ્લા રાખવાના આદેશો માત્ર કાગળ પર જ રહી ગયા છે.
બીજી તરફ, વડોદરાના વ્યસ્ત એવા અમિતનગર સર્કલથી P&T કોલોની તરફ જતા માર્ગ પર નવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસો શરૂ થતાં વાહનચાલકોની મુશ્કેલીઓ બેવડાઈ છે. અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે મુસાફરોની હેરાફેરી પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેલા તંત્રની આંખ સામે હવે લક્ઝરી બસો અને મોટા વાહનો રસ્તાની વચ્ચે જ પાર્ક કરવામાં આવે છે. બસોમાં પાર્સલ લોડિંગ અને અનલોડિંગની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી વાહનો કલાકો સુધી માર્ગ પર ઊભા રહેતા રસ્તો અત્યંત સાંકડો બની જાય છે. અગાઉ આ માર્ગ પર અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોવા છતાં, બસોના આ અડિંગા સામે કોઈ જ કડક કાર્યવાહી ન થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે.