Vadodara

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Published

on

  • બજેટિંગ અંગે કડક આદેશ: મંજૂરી વગરના કામોનો બજેટમાં સમાવેશ ન કરવા અને બજેટ જોગવાઈ વગર કોઈ પણ ખર્ચ ન કરવા પાલિકાની તાકીદ.
  • અટકેલા પ્રોજેક્ટોની સમીક્ષા: છેલ્લા 5 વર્ષથી શરૂ ન થયેલા કે પૂર્ણ ન થઈ શકે તેવા કામોને બજેટમાંથી રદ કરીને ખર્ચનું ભારણ ઘટાડાશે.
  • આવક-ખર્ચના સુધારેલા અંદાજ: 2026-27ના એપ્રિલ-નવેમ્બરના વાસ્તવિક આંકડાના આધારે સુધારેલા અંદાજ અને 2027-28નો ડ્રાફ્ટ અંદાજ રજૂ કરાશે.
  • મહેકમ પત્રકમાં ભૂલો પર રોક: માત્ર વાસ્તવિક મંજૂર થયેલી જગ્યાઓ જ શિડ્યૂલમાં દર્શાવવા અને ખાલી જગ્યાઓની વિગતો અલગથી આપવા સૂચના

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વખતે પાલિકાના નાણાકીય શિસ્ત અને પારદર્શિતા વધારવાના હેતુથી મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની સૂચનાથી ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી દ્વારા તમામ વિભાગોને કડક દિશા-નિર્દેશો સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં મંજૂરી વગરના કોઈ પણ કામ કે ખર્ચનો બજેટમાં સમાવેશ ન કરવા અને બજેટ જોગવાઈ વગર રૂપિયો પણ ખર્ચ ન કરવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.

પરિપત્ર મુજબ, વડોદરા મનપાના તમામ વિભાગોએ છેલ્લા પાંચ વર્ષથી શરૂ ન થયા હોય અથવા તો નજીકના ભવિષ્યમાં શરૂ થવાની કોઈ શક્યતા ન હોય તેવા અટકેલા કામોની કડક સમીક્ષા કરવાની રહેશે. આવા કારણ વગર ચાલુ રહેતા કામોને બજેટમાંથી રદ કરીને ખોટું નાણાકીય ભારણ ઘટાડવા જણાવાયું છે. વર્ષ 2026-27ના મંજૂર બજેટ સામે એપ્રિલથી નવેમ્બર સુધીની વાસ્તવિક આવક-ખર્ચ અને ડિસેમ્બરથી માર્ચ સુધીની સંભવિત આવકના આધારે સુધારેલો અંદાજ રજૂ કરવાનો રહેશે. આ સાથે સામાન્ય કર, પાણી કર, વાહનવેરા સહિતની આવક અને ખર્ચના આંકડા ચકાસીને જ નવી કામગીરીની યાદી હિસાબી શાખામાં જમા કરાવવાની રહેશે.

બીજી તરફ, બજેટમાં મહેકમ પત્રક (એસ્ટાબ્લિશમેન્ટ શિડ્યૂલ) તૈયાર કરતી વખતે અગાઉની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ કાળજી રાખવા જણાવાયું છે. બજેટમાં માત્ર કાયમી, હંગામી અને ગ્રાન્ટમાંથી પગાર મેળવતા કર્મચારીઓનો જ સમાવેશ કરવાનો રહેશે. ભૂતકાળમાં જે જગ્યાઓની વાસ્તવિક મંજૂરી મળી ન હોય છતાં બજેટમાં દર્શાવી દેવાતી હતી, તેવી તમામ બિનઅધિકૃત જગ્યાઓ આ વખતે રદ કરવાની રહેશે. આ ઉપરાંત નવા ભળેલા વિસ્તારો માટે જરૂરી મહેકમ અને તેના પગાર ખર્ચની વિગતો પણ બજેટમાં અલગથી સામેલ કરવા આદેશ કરાયા છે.

Trending

Exit mobile version