વડોદરા જિલ્લાના ડભોઇના 5 કોર્પોરેટરોને ગાંધીનગરના એડમીનીસ્ટ્રેટરનું તેડું આવ્યું છે. એડમીનીસ્ટ્રેટર દ્વારા પાંચ કોર્પોરેટરોને કારણ દર્શક નોટીસ ફટકારી છે. અને તેમને 8, ઓગષ્ટના રોજ સુનવણી સમયે હાજર રહેવા, અથવાતો અધિકૃત પ્રતિનિધિને મોકલવા જણાવવામાં આવ્યું છે. લાખો રૂપિયાની ચૂકવણી માટે કોઇ પણ પ્રકારની પ્રક્રિયા અનુસર્યા વગર કરવામાં આવતા એડમીનીસ્ટ્રેટર દ્વારા આકરા પગલાં લેવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તમામ ભાજપમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, કમિશનર મ્યુનિસિપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર દ્વારા ડભોઇમાં ભાજપના કોર્પોરેટર કાજલબેન સંજયભાઇ દુલાણી (તત્કાલીન પ્રમુખ, ડભોઇ નગરપાલિકા) , બિરેનકુમાર શાંતિલાલ શાહ (તત્કાલીન ચેરમેન – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા) , ઇઝરાયસ હસનભાઇ પારીખાવાલા (તત્કાલીન સભ્ય – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા), દાનીયલમહેંદી જાહેદાબીબી સૈયદ (તત્કાલીન સભ્ય – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા), દક્ષાબેન પરેશભાઇ રબારી (તત્કાલીન સભ્ય – નાણાપંચ સમિતિ, ડભોઇ નગરપાલિકા) ના નામે કારણદર્શક નોટીસ ઇશ્યુ કરી છે.
નોટીસમાં જણાવ્યા અનુસાર, ડભોઇ નગરપાલિકા દ્વારા પંપીગ સ્ટેશનનું ગટરનું ચેમ્બર બનાવવા માટે કોઇ પણ જાહેરાત કે તાંત્રિક મંજૂરી મેળવ્યા સિવાય કે કોઇ પણ ઇજારદારો પાસેથી ભાવો મંગાવ્યા સિવાય 55 ટકા વધુથી એસ.કે. મકવાણા એન્ડ કંપનીને કામગીરી કરવાનો ઠરાવ કરી અને નાણાં 14 માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ચુકવવાનો ઠરાવ કરીને ગુજરાત નગર પાલિકા અધિનિયમ – 1963 ની કલમ 67 નો ભંગ કર્યો છે.
વધુમાં નોટીસમાં જણાવાયું છે કે, ઉપરોક્ત હકીકત જોતાં પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે કે, તમારા વિરૂદ્ધ ગુજરાત નગર પાલિકા અધિનિયમની કલમ – 37(1) હેઠળ પગલાં લઇને તમેનો પાલિકાના સભ્ય પદેથી કેમ દુર ન કરવા ? જે અન્વયે કારણદર્શક નોટીસ પાઠવવામાં આવી છે. આ અંગેની સુનવણી 8, ઓગષ્ટ – 2024 ના રોજ 1 – 15 કલાકે નિયત કરવામાં આવી છે. સુનવણી સમયે જાતે અથવા અધિકૃત પ્રતિનિધિ દ્વારા હાજર રહીને કંઇ રજુઆત કરવા માંગતા હોય તો કરવા જણાવવામાં આવે છે. નિયત મુદતે હાજર રહીને જો કોઇ જવાબ આપવામાં નહીં આવે તો આપને કંઇ કહેવું નથી તેમ માનીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઇજારદાર એસ.કે. મકવાણા એન્ડ કંપનીને રૂ. 9 લાખથી વધુની ચૂકવણી કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસ દ્વારા વર્ષ 2019 માં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઇજારદાર વડોદરામાં કાંસની કામગીરી સાથે સંકળાયેલો હોવાનું પણ સુત્રો ઉમેરી રહ્યા છે.