- પોલીસને જોતા ચાલક તથા અન્યને શંકા જતા તેમણે ટ્રકને દુર ઉભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, તે પૈકી એક ઝડપાયો
31 ડિસે. નજીક આવતાની સાથે જ અલગ અલગ કિમીયાઓ અજમાવીને દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે તેની સામે પોલીસ તથા વિવિધ બ્રાંચોએ પણ કમર કસી છે. તાજેતરમાં પ્લાયવુડની આડમાં વડોદરા થઇને ગાંધીધામ સુધી જવા દારૂનો મોટો જથ્થો નિકળ્યો હતો. આ અંગે બાતમી મળતા ગ્રામ્ય એલસીબી દ્વારા વોચ ગોઠવીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકમાં ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તે પૈકી ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, એલસીબીના જવાનો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત, ભરૂચ, વડોદરા હાઇ-વે પર થઇને અમદાવાદ તરફ જઇ રહ્યો છે. જેથી એલસીબીના જવાનો દ્વારા આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ-વેના ટોલનાકા ઉપર પંચ સાથે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીથી મળતી આવતી ટ્રક મળી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે પહેલા જ ચાલક તથા અન્યને શંકા જતા તેમણે ટ્રકને દુર ઉભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પાછળ એલસીબીની ટીમો પણ દોડી હતી.
તેવામાં એકને દબોચી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે અટકાયત કરેલા ઇસમે પોતાનું નામ દેવીલાલ ટીલારામજી પટેલ (રહે. નવલસિંહજી કા ગુડા, ઉદેપુર, રાજસ્થાન) હોવાનું અને તે ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. અને ભાગી જનાર લાલસીંગ દેવડા રાજપુત, ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં લાદેલા માલ અંગે પુછતા તેણે પ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું. તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાદમાં ટ્રકને મંજુસર ખાતે લાવીને મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી.
દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઇવરને પુછતા તેણે જણાવ્યું કે, લાલસીંગે એક મોબાઇલ નંબર આપ્યો હતો. તેનો સંપર્ક કરતા તેણે ધૂલિયા ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. ત્યાં પહોંચીને સંપર્ક કરતા તેઓને ઓરંગાબાદ બાયપાસ પાસે ટ્રક આપી હતી. તેની સાથે પ્લાયવુડની બીલ અને બિલ્ટી છે. ટ્રક લઇને ગાંધીધામ જવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ધૂલિયાથી નીકળીને સારકીઘાટ, નવાપુરા, સોનગઢ, વ્યારા, સુરત, ભરુચ, વડોદરા થઇને આવ્યા હતા. રસ્તામાં તેમને વોટ્સએપ ફોન કરીને શખ્સ લોકેશન પુછતો હતો. અને માર્ગદર્શન આપતો હતો.
ઉપરોક્ત કાર્યવાહીમાં રૂ. 57.75 લાખનો વિદેશી દારૂ, ફોન, પ્લાયવુડ, ટ્રક સહિત કુલ રૂ. 74.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને દેવીલાલ ટીલારામજી પટેલ (રહે. નવલસિંહ જી કા ગુડા, રાજસ્થાન), લાલસીંગ રાજપુત (રહે. ઉદેપુર) અને બે અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. આ મામલે દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર છે.