દિલ્હીમાં હોબાળો, વડોદરામાં રોષ: AI સમિટમાં કોંગ્રેસના દેખાવ સામે ભાજપનું પૂતળા દહન.
દિલ્હીના ભારત મંડપમમાં AI સમિટમાં હોબાળો: યુથ કોંગ્રેસના કાર્યકરોએ શર્ટ ઉતારી કર્યો વિરોધ.
સાંસદ ડો. હેમાંગ જોષીના પ્રહાર: “કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવાનો કરી રહી છે પ્રયાસ.”
આંતરરાષ્ટ્રીય સમિટમાં વિરોધ પ્રદર્શનને ભાજપે ગણાવ્યું દેશવિરોધી કૃત્ય.
રાજધાની દિલ્હીમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત ‘ઈન્ડિયા AI સમિટ-2026’ આજે રાજકીય અખાડો બની ગઈ છે. ભારત મંડપમ ખાતે યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ સુરક્ષા કોર્ડન તોડીને વિરોધ પ્રદર્શન કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં શર્ટ ઉતારીને અર્ધનગ્ન હાલતમાં પ્રદર્શન કર્યું હતું અને વડાપ્રધાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાને પગલે ભાજપ હવે રાષ્ટ્રીય સ્તરે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે.
આ ઘટનાના પડઘા વડોદરામાં પણ તેજ ગતિએ પડ્યા છે. વડોદરા જિલ્લા અને મહાનગર ભાજપ દ્વારા આજે શહેરના વિવિધ જગ્યા પર એકત્ર થઈને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
વડોદરા જિલ્લા ભાજપ દ્વારા એકત્ર થઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. AI સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓના દેખાવને વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ વખોડ્યું. કહ્યું “કોંગ્રેસ વિશ્વ મંચ પર ભારતની છબી ખરાબ કરવાનો કરી રહી છે પ્રયાસ.”
જ્યારે દેશ ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે વિશ્વની આગેવાની કરી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ આવા હીન કૃત્યો દ્વારા ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડી રહી છે. આંતરરાષ્ટ્રીય સમિટમાં અસભ્ય રીતે દેખાવો કરવા તે દેશની પ્રગતિ રોકવાનો અને 140 કરોડ ભારતીયોને શરમાવવાનો પ્રયાસ છે.
ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ હવે ‘એન્ટી-ઈન્ડિયા’ એજન્ડા પર કામ કરી રહી છે. હાલમાં વડોદરામાં ઠેર-ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનો થયા.