વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા યુવકના મિત્ર જોડે દોઢ વર્ષ જુની અદાવતમાં જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારના ફેમસ જનતા આઇસક્રીમ પાર્લર સામે જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા દહેશત ફેલાઇ છે. અને મોડી રાત્રે પોલીસે દોડવું પડ્યું છે. શહેરના માથાભારે તત્વોમાં પોલીસનો ખોફ ઓસરતો હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. આખરે સમગ્ર મામલે કારેલીબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્ત યુવક ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ છે.
કારેલીબાગ પોલીસ મથકમાં નિરજ ગજાનંદભાઇ સોલંકકી (રહે. સોલંકીવાસ, મંગલેશ્વર ઝાંપા, ફતેપુરા – વડોદરા) એ ખાનગી હોસ્પિટલના આઇસીયુમાંથી નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે અગાઉ મિત્ર સુનિલ સાથે બેંકલોક એજન્ટ તરીકે કામ કરતા હતા. છેલ્લા પંદર દિવસથી તેઓની પાસે કોઇ કામ નથી. તેમના ફળિયામાં મયુર સોલંકી, કપીલ સોલંકી, કરણ સોલંકી અને જય સોલંકી રહે છે. ગતરાત્રે તેઓ તમામ મિત્રો સાથે ઠંડુ પીવા માટે ટુ વ્હીલર પર જવા નિકળ્યા હતા. અલગ અલગ ટુ વ્હીલર પર બે સવારી બધા બેઠા હતા.
ઘરેથી સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ સર્કલ થઇે જનતા આઇસક્રીમ પાસે 11 વાગ્યે વાહન ઉભુ રાખ્યું હતું. તે વખતે સામેના પેટ્રોલ પંપ પર બે બાઇક મુકીને તેના પર આવેલા 5 જેટલા લોકો તેમના તરફ આવ્યા હતા. તે પૈકી એકના હાથમાં પચ્ચુ અને બીજાના હાથમાં પટ્ટો હતો. જે લઇને તેઓની નજીક આવીને પીઠમાં ચપ્પુ મારી દેતા તે પડી ગયા હતા.બાદમાં માથા તથા અન્ય ભારે પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. બાદમાં તેઓ પડી ગયા હતા.
હુમલા બાદ મિત્ર દર્શન પ્રથમ ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે લઇ ગયો હતો. ત્યાંથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. મિત્ર કપિલ સોલંકી જોડે અગાઉ દોઢ વર્ષ પહેલાની અદાવતે આ હુમલો કર્યો હોવાની તેમણે આશંકા વ્યક્ત કરી છે. સાથે જ આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલુ ચપ્પુ પોલીસને આપ્યું છે. ઉપરોક્ત મામલે 5 અજાણ્યા લોકો સામે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.