કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં 130મું બંધારણીય સુધારા બિલ, 2025 રજૂ કર્યું હતું, જેનો વિપક્ષે ભારે વિરોધ કર્યો છે.
બિલની જોગવાઈઓ મુજબ, વડા પ્રધાન, મુખ્ય મંત્રી કે કેન્દ્ર, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકારના મંત્રીઓને ભ્રષ્ટાચાર કે ગંભીર આરોપ (જેમાં પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે સજાની જોગવાઈ હોય) માટે 30 દિવસ માટે અટકમાં લેવામાં આવે કે ધરપકડ કરવામાં આવે, તો 31મા દિવસે તેમને હઠાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ બિલ દ્વારા બંધારણના અનુચ્છેદ 75માં સુધારો કરવામાં આવશે, જે હેઠળ વડા પ્રધાનની સાથે મંત્રીઓની નિમણૂક તથા જવાબદારીઓને નિર્ધારિત કરવામાં આવી છે.
Advertisement
તામિલનાડુમાં ડીએમકે સરકારના મંત્રી વી. સેન્થિલ બાલાજીની ધરપકડને પગલે ઊભા થયેલા વિવાદ બાદ આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. મની લૉન્ડ્રિંગના કેસમાં વી. સેન્થિલની ધરપકડ થઈ હતી, એ પછી તામિલનાડુના રાજ્યપાલ એન. રવિએ તેમને પદ પરથી હઠાવી દીધા હતા.
સુપ્રીમ કોર્ટે વી. સેન્થિલને જામીન આપ્યા હતા, એ પછી મુખ્ય મંત્રીએ તેમને ફરીથી મંત્રી બનાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે સેન્થિલને ફરી મંત્રી બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એ પછી મંત્રીમંડળમાં ફેરફાર સમયે વી. સેન્થિલને હઠાવવામાં આવ્યા હતા.
અમિત શાહે મંગળવારે લોકસભા કાર્યાલયને જણાવ્યું હતું કે સંસદના ચાલુ સત્ર દરમિયાન 130મો બંધારણીય સુધાર ખરડો, 2025, જમ્મુ-કાશ્મીર રી-ઑર્ગેનાઇઝેશન (સુધાર) બિલ, 2025 તથા ગવર્ન્મેન્ટ ઑફ યુનિયન ટેરિટરીઝ (સુધાર) બિલ, 2025 રજૂ કરવામાં આવશે.
Advertisement
સંસદના ચોમાસુ સત્રમાં માત્ર બે દિવસ વધ્યા છે. ગુરુવારે ચોમાસું સત્ર સમાપ્ત થઈ જશે.
વર્તમાન જોગવાઈઓ મુજબ, જો કોઈ ધારાસભ્ય કે સંસદસભ્ય દોષિત ઠરે એ પછી જ તેમનું સાંસદપદ કે ધારાસભ્યપદ જતું હતું.
પ્રિયંકા ગાંધી : “કાલ ઊઠીને તમે કોઈ મુખ્ય મંત્રી ઉપર કોઈ પણ કેસ દાખલ કરી શકો છો. તેને કોઈ પણ પ્રકારનો દોષ સાબિત થયા વગર જેલમાં રાખી શકો છો અને તેને મુખ્ય મંત્રીપદેથી હઠાવી દેવામાં આવશે.”
Advertisement
“આ બિલકુલ ખોટું છે, ગેરબંધારણીય, અલોકતાંત્રિક અને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”
મમતા બેનરજી: “હું ભારત સરકારે રજૂ કરેલા 130મા બંધારણીય સુધાર બિલની ખૂબ જ નિંદા કરું છું. તે ‘સુપર ઇમર્જન્સી’ કરતાં પણ આગળની સ્થિતિ છે. ભારતમાં લોકશાહીના કાળખંડને હંમેશાં માટે ખતમ કરી દેવાનો પ્રયાસ છે.”
આ બિલ અંગે રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ તથા સુપ્રીમ કોર્ટમાં વકીલ અભિષેક મનુ સિંઘવી: “આ બિલ વિપક્ષને નિશાને લેવા માટે લાવવામાં આવ્યું છે. ધરપકડ સમયે કોઈ નિયમનું પાલન નથી થતું. વિપક્ષના નેતાઓની ધરપકડો વધી છે અને તેમાં વ્યાપક અસંગતિઓ છે.”
Advertisement
“નવો પ્રસ્તાવિત કાયદો સત્તારૂઢ મુખ્ય મંત્રીને ધરપકડ બાદ તરત જ હઠાવી શકાશે. વિપક્ષની સરકારને અસ્થિર કરવાનો આ સૌથી સરળ રસ્તો છે.”
સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વધુમાં લખ્યું, “વિપક્ષના જે મુખ્ય મંત્રીઓને ચૂંટણી દરમિયાન હઠાવી ન શકાય, તેમની પાછળ પક્ષપાતી કેન્દ્રીય એજન્સીઓને છૂટી મૂકી દો અને વિપક્ષના મુખ્ય મંત્રીઓની મનસ્વી રીતે ધરપકડ કરીને તેમને પદ પરથી હઠાવી દો.”
“બીજી બાજુ, સત્તારૂઢ પક્ષના કોઈ મુખ્ય મંત્રીને કશું નથી થયું.”
Advertisement
ચોમાસુ સત્ર ગુરુવારે (21 ઑગસ્ટ) સમાપ્ત થશે. વર્તમાનમાં મોદી સરકાર પાસે બે-તૃતીયાંશ બહુમત નથી. એવામાં આ બિલ શા માટે લાવવામાં આવ્યું છે?
“ટીડીપીના ટેકાથી જ નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે છે. આ બિલ દ્વારા એવો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે સરકાર રાજકારણમાં અપરાધીકરણ તથા ભ્રષ્ટાચાર સામે કડક વલણ ધરાવે છે.”
આ બિલ પસાર થતાંની સાથે જ રાજ્યપાલ પાસે કોઈ પણ મુખ્ય મંત્રીને હઠાવવાની સત્તા આવી જશે. બીજું કે રાજ્યપાલ ઉપર હોદ્દાનો દુરુપયોગ કરવાના વ્યાપક આરોપ લાગે છે. જોકે, રાજ્યપાલને આ કાયદાની જોગવાઈઓમાંથી બહાર રાખવામાં આવ્યા છે.”
Advertisement
રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા : “આરોપી અને દોષિત વચ્ચેની ભેદ રેખાને ભૂંસવાની તૈયારી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ઈડી (ઍન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ્રેટ) વિશે કહ્યું હતું કે તે રાજકીય રમતનો ભાગ બની રહ્યું છે.”
“જ્યાં તમે ચૂંટણી જીતી શકો એમ નથી, ત્યાં વિપક્ષને હઠાવવાનો માર્ગ છે. મને લાગે છે કે ગૃહમંત્રી પોતાની પાર્ટીના પણ કેટલાક લોકોને (પદ પરથી) હઠાવી દેવાની તૈયારી કરી રહ્યા છે.”
સીપીઆઈ-એમએલના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યે આ બિલની ટીકા કરતાં કહ્યું કે સંસદીય લોકશાહી વ્યવસ્થા પર સીધો પ્રહાર છે. દીપાંકરે કહ્યું કે આ બિલ દ્વારા કેન્દ્રીય એજન્સીઓ ઈડી, સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન), આઈટી (ઇન્કમ ટૅક્સ) તથા એનઆઈએનો (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એન્જસી) દુરુપયોગ વધશે.