સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે વેપારીઓ, સ્થાનિક તંત્ર અને જિલ્લા કલેક્ટરને આકરા શબ્દોમાં પ્રહારો કર્યાં હતા.
- મકાઈનો જાહેર થયેલો ભાવ 2100 રૂપિયા હોવા છતાં વેપારીઓ માત્ર 1800થી 2000 રૂ ભાવ આપીને લૂંટી રહ્યા
- વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓને તમામ સાથે રાખીને કોઈ પણ પ્રોજેક્ટ લાવવો..
- આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો. જિલ્લા કલેક્ટર અહીંના રાજા નથી, અમને છંછેડતા નહીં પછી જોઈ લેજો.’
નર્મદાના દેડિયાપાડાના નિગટ ગામે આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના પાકના ભાવ અને સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે વેપારીઓ, સ્થાનિક તંત્ર અને જિલ્લા કલેક્ટરને આકરા શબ્દોમાં પ્રહારો કર્યાં હતા.
જ્યારે કાર્યક્રમમાં ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી કે, મકાઈનો જાહેર થયેલો ભાવ 2100 રૂપિયા હોવા છતાં વેપારીઓ માત્ર 1800થી 2000 રૂપિયાના ભાવ આપીને લૂંટી રહ્યા છે. આ અંગે મંચ પરથી રોકડી પરખાવતા મનસુખ વસાવાએ કહ્યું કે, ‘આદિવાસીઓને વેપારીઓ લૂંટવાનું બંધ કરો. જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરું છું. તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારીઓ પર કાર્યવાહી કરીશ તો ભારે પડશે.’
ત્યારે બીજી તરફ ભરુચથી સાંસદ મનસુખ વસાવાએ આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્રને સંબોધતા જિલ્લા કલેક્ટરને પણ આડકતરી ચીમકી આપી હતી. તેમણે કહ્યુ કે, ‘વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓને તમામ સાથે રાખીને કોઈ પણ પ્રોજેક્ટ લાવવો જોઈએ. કોઈ પણ ગામડાંમાં પ્રોજેક્ટ લાવતા પહેલા અમારું ધ્યાન દોરો અને આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો. જિલ્લા કલેક્ટર અહીંના રાજા નથી, અમને છંછેડતા નહીં પછી જોઈ લેજો.’ નોંધનીય છે કે, સાંસદના આ આક્રમક વલણથી સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે.