મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘમહેર:અરવલ્લી, ખેડા, મહેસાણા અને પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.
ખેડૂતો માટે ખુશી:વરસાદી વાતાવરણને કારણે કૃષિ ક્ષેત્રમાં નવી આશા જાગી છે, ખેડૂતોમાં આનંદ છવાયો.
સ્થાનિક હાલાકી:અનેક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં.
ગુજરાત: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
❓ક્યાં કેટલો વરસાદ?
સરકારી આંકડા મુજબ, મહીસાગરના બાલાસિનોરમાં 147 મીમી એટલે કે પોણા 6ઇંચ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 75 મીમી અને ધનસુરામાં 66 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે સાઠંબા, બાયડ અને મોડાસામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 57 મીમી અને કપડવંજમાં 55 મીમી વરસાદ ખાબક્યો છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, મહેસાણાના સતલાસણામાં 73 મીમી અને ખેરાલુમાં 20 મીમી વરસાદ નોંધાયો છે. વડોદરાના દેસરમાં ૫૩ મીમી, પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી અને જાંબુઘોડામાં 51 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છોટાઉદેપુર, દાહોદ સહિતના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
👨🌾ખેડૂતોમાં ખુશીનો માહોલ:
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ મેઘમહેર આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગરમીથી ત્રસ્ત રાજ્યવાસીઓને પણ આ વરસાદથી મોટી રાહત મળી છે. જોકે, ભારે વરસાદને પગલે તંત્ર પણ સાબદું બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.