તો આવો, આ તહેવારોમાં આપણે પણ કૃત્રિમ વસ્તુઓનો અસ્વીકાર કરી, આ ધરતીના ફૂલોની સુગંધથી આપણા ઘર-આંગણાને પરંપરાગત રીતે સજાવીએ અને ગર્વથી કહીએ: “આ ફૂલ સ્વદેશી છે!”
વડોદરા જિલ્લાના નર્મદાના કિનારાના ગામોમાંથી ફેલાઈ રહી છે સ્વદેશીની સુવાસ
કરજણ તાલુકામાં ખીલતા ગલગોટા અને ગુલાબના ફૂલોની સુગંધ રાજ્યભરમાં પ્રસરી
દિવાળી અને લગ્નસરાની સિઝનમાં પ્લાસ્ટિકના ફૂલોની જગ્યાએ હજુ પણ તાજા ફૂલોનું મહત્વ અકબંધ
નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘આત્મનિર્ભર ભારત’ માટે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ધ્યેયને વડોદરા જિલ્લાનો કરજણ તાલુકો ફૂલોની સુવાસથી સાર્થક કરી રહ્યો છે. જ્યાં નર્મદા નદીના પવિત્ર કિનારે વસેલા ગામોની ધરતી, માત્ર અનાજ જ નહીં, પણ સમૃદ્ધિના રંગબેરંગી ફૂલો પણ ઉગાડી રહી છે.
નવરાત્રીના ગરબાથી લઈને દિવાળીની રોશની સુધી, ભારતીય તહેવારોમાં સુશોભનનું આગવું મહત્ત્વ છે. જ્યાં બજારમાં આર્ટિફિશિયલ (કૃત્રિમ) ચીજવસ્તુઓનો દબદબો છે, ત્યાં કરજણના ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા તાજા અને સુગંધિત ફૂલો આજે પણ લોકોની પહેલી પસંદ છે. લોકો હજુ પણ પોતાના ઘર અને દેવાલયોની સજાવટમાં પ્લાસ્ટિકના ઝુમ્મરોને બદલે, આ ધરતી પર ખીલેલા ફૂલોને પ્રાધાન્ય આપી રહ્યા છે.
કરજણના ખેડૂતોના ફૂલોની સુવાસ હવે માત્ર વડોદરા પૂરતી સીમિત નથી. અહીં ઉગાડવામાં આવેલા ગલગોટા અને ગુલાબ જેવા ફૂલો વડોદરા, સુરત, અમદાવાદ, ભાવનગર જેવા મુખ્ય શહેરોમાં વેચાય છે. વાત અહીં પૂરી થતી નથી, સ્થાનિક વેપારીઓ આ તાજા ફૂલોને પાર્સલ દ્વારા મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં પણ મોકલે છે.
Advertisement
કરજણ તાલુકાના દેરોલી ગામના ખેડૂત મહેશભાઈ પંચાલ પોતાની કુલ ખેતીલાયક જમીનમાં મહત્તમ ફૂલોની જ ખેતી કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે, દેવપોઢી એકાદશીથી દેવદિવાળી સુધી અને ત્યારબાદ લગ્નસરાની સિઝનમાં તેમના વિસ્તારમાં ઊગતા ફૂલોનું ધૂમ વેચાણ થવાથી ખૂબ સારી આવક થાય છે. દિવાળી અને પ્રસંગોમાં પ્લાસ્ટિકના ફૂલોની જગ્યાએ હજુ પણ તાજા ફૂલોનું મહત્વ અકબંધ છે.
વધુમાં મહેશભાઈ જણાવે છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘સ્વદેશી અપનાવો’ની હાંકલ પ્રમાણે દરેક વ્યક્તિઓએ માત્ર તહેવારોમાં જ નહીં, પરંતુ આખું વર્ષ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે જ ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના ધ્યેયને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને ‘આત્મનિર્ભર ભારત’ના ધ્યેયને સાકાર કરવાની દિશામાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, કરજણ અને શિનોર તાલુકામાં આશરે ૨ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ગુલાબ (દેશી-કાશ્મીરી), ગલગોટા, મોગરા અને લીલીની વ્યાપક ખેતી થઈ રહી છે. સાયર, મોટી કોરલ, નાની કોરલ, દેરોલી, રણાપુર, કોઠીયા, મેથી, સીમળી અને દિવેર જેવા ગામોના ખેડૂતોએ ફૂલોની ખેતીને માત્ર એક પાક નહીં, પણ આર્થિક સશક્તિકરણનું માધ્યમ બનાવ્યું છે.
તહેવારોમાં જ્યારે આપણે કાશ્મીરી ગુલાબ કે સુગંધિત ગલગોટા ખરીદીએ છીએ, ત્યારે આપણે માત્ર શણગારની વસ્તુ નથી ખરીદતા. આપણે કરજણ અને શિનોર તાલુકાના હજારો ખેડૂત પરિવારોની આજીવિકામાં યોગદાન આપીએ છીએ. આ નાનકડી ખરીદી પરસેવાથી આ ફૂલોની ખેતી કરતા ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડે છે.