જે રીતે દિલ્હી ટુ ગુજરાત અને ગુજરાત ટુ દિલ્હીનું કેટલાક નેતાઓનું આવન-જાવન ચાલુ છે, તે જોતા જ ગુજરાતના રાજકારણમાં જલ્દી જ કોઈ નવાજૂની આવી શકે છે
- ગુજરાતના રાજકારણના ઈતિહાસ પર સપ્ટેમ્બર મહિનો મહત્વનો છે
- ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે
- રાજ્યના રાજકારણની હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સંભવિત રીતે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે.
રાજ્યના રાજકારણમાં હવા તેજ બની છે. મંત્રીમંડળમાં ફેરબદલ અને ભાજપ પ્રદેશ પ્રમુખના બદલાવની હવા ફરતી થઈ છે. આવામાં અમિત શાહ 15 દિવસ બાદ ફરી ગુજરાત આવવાના છે. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની હવા તેજ બની છે.
ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે. ત્યારે અમિત શાહ આગામી 13 અને 14 સપ્ટેમ્બરે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. દિલ્હી ટુ ગુજરાતની કેટલીક નેતાઓની સફરને કારણે ગુજરાતમાં રાજકીય ઘટનાક્રમ સર્જાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. બીજી વાત એ છે કે, મંત્રીમંડળના બદલાવનો સંકેત સપ્ટેમ્બર મહિના તરફ મોટો ઈશારો કરી રહ્યો છે. કારણ કે, ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ બની હતી.
રાજ્યના રાજકારણના ઈતિહાસ પર એક નજર કરીએ તો, વિજય રૂપાણી સરકારે રાજીનામું આપ્યું તે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ સપ્ટેમ્બર મહિનામાં જ બની હતી. તેઓ 12 સપ્ટેમ્બરે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા હતા. હાલ પણ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો હોવાથી મંત્રી મંડળના વિસ્તરણ માટે સપ્ટેમ્બર મહિનો પસંદ કરાશે તેવી ચર્ચા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ, રાજકીય વર્તુળોમાં મોટા ફેરફારોની અટકળો છે. એવી ચર્ચા છે કે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં ઘણા મોટા નિર્ણયો લઈ શકે છે. આમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરબદલનો સમાવેશ થાય છે. સૂત્રોનું માનીએ તો, રાજ્યમાં નેતૃત્વમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી, પરંતુ ઘણા મંત્રીઓને વર્તમાન મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે. સંગઠનમાં કામ કરવા માટે ઘણા મંત્રીઓને મોકલી શકાય છે, જ્યારે કેટલાક યુવા ચહેરાઓ મંત્રીમંડળમાં પ્રવેશ કરી શકે છે.
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં 16 મંત્રીઓ છે. જેમાં 8 કેબિનેટ મંત્રીઓ, બે સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 6 રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. 2022 માં બીજી વખત મુખ્યમંત્રી બન્યા પછી કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં, ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો છે. શ્રાદ્ધના અંત પછી પણ આ ફેરફાર થઈ શકે છે.ચર્ચા છે કે, નવા મંત્રીમંડળનું કદ 25 સભ્યોનું હોઇ શકે છે. આમાં બચુ ખાબડનું મંત્રીપદ દીકરાઓના મનરેગા કૌભાંડને જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે આ સિવાય કોઈ ઈન થાય છે અને કોણ આઉટ તે તો ભાજપની આગાહી પર નિર્ભર છે.
રાજકારણને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ આજે અચાનક દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. મહત્વનું છે કે, આ મુલાકાત માત્ર શિષ્ટાચાર પૂરતી નહીં પરંતુ રાજ્યના રાજકીય અને નીતિગત પરિપ્રેક્ષ્યમાં અનેક સંકેતો પણ આપી ગઈ છે. રાજ્યના રાજકારણની હાલની સ્થિતિ પ્રમાણે જોઈએ તો સંભવિત રીતે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ શકે છે.
આજે ભાજપના પ્રદેશ યુવા મોરચાના કારોબારીની બેઠક મળી હતી. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ અને પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ, યુવા મોરચાના જિલ્લા પ્રમુખો મહામંત્રી અને પ્રદેશ યુવા મોરચાના હોદેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુવા મોરચાના સેવા પખવાડિયા કાર્યક્રમોની રૂપરેખા અંગે મંથન થયું હતું. આગમી દિવસોમાં યુવા મોરચા દ્વારા કાર્યક્રમો દ્વારા ગ્રાઉન્ડમાં જવા રોડ મેપ નક્કી કરાયા. સપ્ટેમ્બર મહિનામાં પક્ષે આપેલા કાર્યક્રમો અંગે રૂપરેખા ઘડાઈ. જે નીચે મુજબ છે.
- 11 સપ્ટેમ્બર રોજ સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર વ્યાખ્યાન આયોજન કોલેજમાં થશે
- 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મ દિવસે નિમિતે સેવા પખવાડિય કાર્યક્રમો અંગે ચર્ચા થઈ
- 17 સપ્ટેમ્બર થી 2 ઑક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો આયોજન કરાયું છે.
- 17 સપ્ટેમ્બરે દરેક જિલ્લા કેન્દ્રોમાં બલ્ડ્ ડોનેશન કેમ્પ યોજાશે
આખા દેશમાં મોદી યુવા મેરેથોન 75 સ્થળોએ યોજાશે, જેમાં ગુજરાતમાં 10 સ્થળોએ યોજાશે. જેમાં 8 મહાનગર પાલિકા અને વલસાડ અને આણંદ પણ મેરેથોન યોજાશે.