- મેનેજમેન્ટને રજુઆત કરી, ત્યારે તેમણે ઉદ્ધતાઇપૂર્વક કહ્યું કે, શાળાની પોલીસી છે. જો તમને વાંધો હોય તો શાળા બદલી નાંખો – વાલી
વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલની જોહુકમી જાહેર કરે તેવો કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ સ્કુલના લોગો વાળું પેન્ટ નહીં પહેર્યું હોવાના કારણે તેના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને પીટીના ક્લાસમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાનો આરોપ મુકીને પેરેન્ટ્સએ હોબાળો મચાવ્યો હતો. આખરે આ મામલે ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. અને વાલી તરફે ધારદાર રજુઆતો કરી હતી. જે બાદ મામલો શિક્ષણાધિકારી સુધી પણ પહોંચ્યો હતો.
વડોદરાના શેરખીમાં આવેલી પોદ્દાર સ્કુલમાં ધો – 1 માં ભણતા વિદ્યાર્થીના માતા-પિતાએ તેનો યુનિફોર્મ શાળા દ્વારા સૂચિત વેબસાઇટની જગ્યાએ અન્યત્રેથી ખરીદ્યું હતું. જેથી તેના પેન્ટ પર શાળાનો લોગો ન્હતો. જે બાબતે વિદ્યાર્થીના વાલીને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. તે પહેલા જ પીટીના ક્લાસમાંથી વિદ્યાર્થીને કાઢી મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ શાળાએ પહોંચેલા પેરેન્ટ્સ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ઓલ ગુજરાત વાલી મંડળના દિપક પાલકરને જાણ થતા તેઓ પણ દોડી આવ્યા હતા.
ઉપરોક્ત મામલે એક તબક્કે શાળાના પ્રિન્સિપાલને પણ મીડિયા સમક્ષ જવાબ આપતા ફાંફાં પડી ગયા હતા. આખરે શાળા મેનેજમેન્ટ અને વાલીએ સમાધાનકારી વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો.
વાલીએ શાળા સંચાલકો પર આરોપ મુકતા જણાવ્યું કે, મારા બાળકને પીટીના પીરીયડમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જે અંગે અમે શાળા મેનેજમેન્ટને રજુઆત કરી, ત્યારે તેમણે ઉદ્ધતાઇપૂર્વક કહ્યું કે, શાળાની પોલીસી છે. જો તમને વાંધો હોય તો શાળા બદલી નાંખો. અમે આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પણ ફરિયાદ કરી છે.