- આગના કારણો અંગે એફએસએલ તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા સપાટી પર આવશે તેવું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરનું કહેવું છે
વડોદરાના ઇલોરાપાર્કમાં આવેલા એલઆઇજીના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દિવ્યાંગ પુરૂષનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાના કારણો અંગે કોઇ નક્કર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. આગના કારણો અંગે એફએસએલ તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા સપાટી પર આવશે તેવું ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસરનું કહેવું છે.
વડોદરાના ઇલોરપાર્કમાં અરેરાટી વ્યાપી જાય તેવી ઘટના સામે આવી છે. ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલા એલાઆઇજી આવાસના ફ્લેટ્સમાં ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. દરમિયાન આગની જ્વાળાઓ શાંત થતા કુલીંગની કામગીરી કરવામાં આવી રહી હતી. તેવામાં ઘરમાંથી એક દિવ્યાંગ પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ રવીન્દ્ર શર્મા તરીકે કરવામાં આવી છે. મૃતદેહ મળ્યા બાદ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવતા તેઓ પણ આવી પહોંચ્યા હતા. અને મૃતદેહના વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફીસર નિકુંજ આઝાદએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સેવામાં ઇલોરાપાર્કમાં આવેલા ફ્લેટના ટાવરમાં ત્રીજા માળે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને સ્થળ પર જઇને અંદર તપાસ કરતા દિવ્યાંગ વ્યક્તિ મળી આવ્યા હતા. જે બાદ 108 એમ્બ્યુલન્સ, અને પોલીસને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. દરમિયાન આજુબાજુના રહેવાસીઓ પાસેથી ઘરના વ્યક્તિઓની માહિતી મેળવવામાં આવી હતી. મૃતક દિવ્યાંગ હતા. આ મામલો વધુ તપાસ માંગી લે તેવો છે. વધુ તપાસ બાદ જ કંઇ કહી શકાશે. આગ લગાવાનું કારણ એફએસએલ રીપોર્ટ બાદ જ સામે આવશે.