Vadodara

પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં હવે ‘ઝોનવાઈઝ’ ઇજારા: ઇજારદારોની મનમાની પર રોક લગાવવા કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય

Published

on

  • વિવાદિત ઈજારો નામંજૂર: ડી.જી. નાકરાણીની દરખાસ્ત પર સ્થાયી સમિતિની લાલ આંખ.
  • કર્મચારી હિત: વેતન, પીએફ અને ઈએસઆઈ મુદ્દે કામદારોની રજૂઆતને મળી સફળતા.
  • નવી નીતિ: હવેથી પાર્કસ એન્ડ ગાર્ડન શાખામાં ઝોનવાઈઝ ઇજારાની પ્રક્રિયા હાથ ધરાશે.
  • કાર્યવાહી: બાકીની 9 દરખાસ્તોને મંજૂરી આપી શહેરના વિકાસના કામોને આગળ ધપાવ્યા.

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની આજે મળેલી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના વિકાસના કામોને ગતિ આપવા માટે સમિતિએ કુલ 10માંથી 9 દરખાસ્તો પર મંજૂરીની મહોર મારી છે, જ્યારે લાંબા સમયથી વિવાદમાં રહેલી પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના માનવબળ પૂરા પાડવાની ઈજારદાર ડી.જી. નાકરાણીની દરખાસ્તને સ્પષ્ટપણે નામંજૂર કરી દેવામાં આવી છે.

શું હતો વિવાદ?

પાર્કસ એન્ડ ગાર્ડન શાખામાં માનવબળ પૂરું પાડવાના મુદ્દે ઈજારદાર ડી.જી. નાકરાણી સામે અગાઉ પણ ગંભીર આક્ષેપો થયા હતા. ખાસ કરીને કામદારોને મળતું વેતન, પ્રોવિડન્ટ ફંડ (PF) અને કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) જેવી પાયાની સુવિધાઓમાં કરવામાં આવતી ગેરરીતિઓને લઈને કામદારો અને વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. એક સામાજિક કાર્યકર દ્વારા પણ આ દરખાસ્ત પરત ખેંચવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

🧐ઝોનવાઈઝ ઇજારાનો નિર્ણય:

સ્થાયી સમિતિના અધ્યક્ષે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને હવે આ શાખા માટે ઝોનવાઈઝ ઇજારાની નવી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ પર અંકુશ આવશે અને કામદારોને તેમના હકનું વેતન અને સુવિધાઓ સમયસર મળી રહેશે તેવી અપેક્ષા છે.

👉અન્ય દરખાસ્તોને મંજૂરી:

આજના નિર્ણયોમાં ફાયર વિભાગ અને ઇજનેર વિભાગમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓના ઇજારાની મુદત વધારવાની દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી છે, જેથી વહીવટી કામગીરીમાં કોઈ અવરોધ ન આવે. એક તરફ વિવાદિત ઈજારો નામંજૂર થતા અને બીજી તરફ અન્ય કામોને મંજૂરી મળતા કોર્પોરેશનના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

Trending

Exit mobile version