ભારે વરસાદના કારણે વડોદરા પાસે જીએસએફસી નજીક નેશનલ હાઇ-વે પર વિઝીબીલીટીની સમસ્યા સર્જાઇ હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે હાઇ-વે પરથી પસાર થતા વાહનોની ગતિ એકદમ ધીમી પડી છે. સાથે જ હેડ લાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ વાહન ચલાવવું પડી રહ્યું છે. તો બીજી તરફ છાણીથી દશરથ ગામ સુધીના પટ્ટામાં ભારે દુર્ગંધ આવતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જેથી વરસાદનો લાભ લઇને કોઇ ફેક્ટરી દ્વારા કેમિકલ યુક્ત વાયુનો નિકાલ કર્યો હોવા તરફ સ્થાનિકો સંકેત કરી રહ્યા છે. આ સમસ્યા અંગે જીપીસીબી દ્વારા પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
વડોદરામાં આજે સવારથી જ અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી છે. ત્યારે વરસાદની ગતિ સહેજ પણ ધીમી નહી તથા વડોદરા પાસે જીએસએફસી નજીકથી પસાર થતા હાઇ-વે પર વિઝીલીબીટીની સમસ્યા સર્જાઇ છે. વરસાદના કારણે કારની હેડલાઇટથી વધુ જોઇ શકાય તેમ નથી. વાતાવરણ ભારે ઘૂંઘળુ થયું છે. ત્યારે હવે હાઇ-વે પરથી પસાર થતા વાહનો હેડ લાઇટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ પસાર થઇ રહ્યા છે.
તો બીજી તરફ શહેર પાસે છાણીથી દથરથ ગામ તરફ જવાના પટ્ટા પર ભારે દુર્ગંધ આવી રહી છે. જેને લઇને સ્થાનિકો દ્વારા કોઇ કંપનીએ વરસાદનો લાભ લઇને પ્રદુષિત વાયુનો નિકાલ કર્યો હોવા તરફ સંકેત કરવામાં આવ્યો છે. ચોમાસામાં ઉદ્યોગો દ્વારા આ રીતે ઘન, પ્રવાહી કે પછી વાયુ પ્રદુષણનો નિકાલ કરવામાં આવતો હોવાના આરોપો અગાઉ પણ મુકવામાં આવી ચુક્યા છે. આ તકે સ્થાનિકોની વ્હારે જીપીસીબી આવે તેની વાટ લોકો જોઇ રહ્યા છે. અને આવા તત્વોનો શોધીને તેમની સામે કડક દંડનીય કાર્યવાહી થવી જોઇએ તેવું સ્થાનિકોનું માનવું છે.