Vadodara

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Published

on

  • વડોદરા ક્રાઈમ બ્રાન્ચની સફળતા: યાકુતપુરામાં બંધ મકાનને નિશાન બનાવનાર અનસ દૂધવાલા ઝડપાયો.
  • દાદીના અવસાન બાદ પરિવાર અંતિમ વિધિમાં ગયો અને તસ્કરે હાથ સાફ કર્યો; ₹3.86 લાખનો મુદ્દામાલ રિકવર.
  • સોનાના દાગીના, રોકડ અને 250 બ્રિટિશ પાઉન્ડ સાથે આરોપી મેમણ કોલોની નાકા પાસેથી પકડાયો.

વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમારની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત કાર્યશીલ છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

📌ઘટનાની વિગત:

સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, એક ફૂટવેરના વેપારીના દાદીનું અવસાન થતા ગત તા. 24/04/2026ના રોજ પરિવાર ઘર બંધ કરીને અંતિમ વિધિમાં ગયો હતો. ત્યારબાદ પરિવાર હાલોલ ગયો હતો અને તા. 30 એપ્રિલના રોજ પરત ફરતા જાણવા મળ્યું હતું કે, ઘરની તિજોરીમાંથી સોનાના દાગીના, યુ.કે. પાઉન્ડ અને રોકડ રકમ મળી કુલ ₹4,14,248ની મત્તાની ચોરી થઈ છે.

👮પોલીસ કાર્યવાહી અને ધરપકડ:

ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, આજવા રોડ પર રહેતો અનસ દૂધવાલા ચોરીનો મુદ્દામાલ વેચવાની પેરવીમાં છે. બાતમીના આધારે પોલીસે મેમણ કોલોની નાકા પાસેથી અનસ ફરીદભાઇ કાદરભાઇ દૂધવાલા (રહે. બહાર કોલોની, આજવા રોડ) ને ઝડપી પાડ્યો હતો.

🚨મુદ્દામાલની રિકવરી:

પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી ચોરીના દાગીના અને વિદેશી ચલણ મળી આવ્યું હતું. આરોપીએ કબૂલાત કરી હતી કે આ મુદ્દામાલ તેણે યાકુતપુરાના બંધ મકાનમાંથી ચોર્યો હતો. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:

  • 2 સોનાની ચેઇન, વીંટી અને બુટ્ટીઓ.
  • ડાયમંડ પેન્ડલ અને સોનાની કડીઓ.
  • 250 યુ.કે. પાઉન્ડ (વિદેશી ચલણ).
  • ₹13,700 રોકડા.
  • કુલ રિકવર મુદ્દામાલ: ₹3,86,615

👉ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની તપાસ માટે સીટી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી શહેરમાં ઘરફોડ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Trending

Exit mobile version