Vadodara

શહેરના શરાબના નશામાં અકસ્માત કરતા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે?,આજવા રોડ પર સર્જાયેલા અકસ્માતે વધુ સવાલો ઉભા કર્યા

Published

on

  • ગંભીર અકસ્માત: આજવા રોડ પર બાઇક સવાર યુવક અને મહિલાને કાર ચાલકે ટક્કર મારતા બંનેની હાલત ગંભીર છે.
  • પોલીસ કર્મચારીની સંડોવણી: પ્રાથમિક માહિતી મુજબ આરોપી કાર ચાલક પોલીસ વિભાગ સાથે સંકળાયેલ હોવાની ચર્ચા છે.
  • દારૂ અને જુગારની સામગ્રી: અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલો અને પત્તા-પાના મળી આવ્યા હોવાનો ઘટસ્ફોટ.
  • લોકોનો ઉગ્ર રોષ: નંબર પ્લેટ હટાવવાના પ્રયાસનો આરોપ લગાવી સ્થાનિકોએ હોબાળો મચાવ્યો, ચાલક ફરાર.

વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ પરથી એક અત્યંત ચોંકાવનારા અને વિવાદાસ્પદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હથણી માતા વિસ્તારથી પરત ફરી રહેલા બાઈક સવાર યુવક અને મહિલાને એક પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક યુવકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

🍾દારૂની બોટલો અને 🃏પત્તા-પાના મળ્યા, ચાલક પોલીસકર્મી હોવાની ચર્ચા:

આ બનાવ અંગે સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર કાર ચાલક નશાની હાલતમાં હોવાની પ્રબળ શંકા છે. એટલું જ નહીં, અકસ્માત બાદ કારની તલાશી લેતા ગાડીમાંથી દારૂની બોટલો અને પત્તા-પાના પણ મળી આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે આ કાર ચાલક અન્ય કોઈ નહીં પરંતુ પોલીસ કર્મચારી હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે.

🚨સ્થાનિકોનો રોષ અને હોબાળો:

ઘટનાની જાણ થતાં જ ડાયલ 112 ની પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બંને ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે એસએસજી (SSG) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, ઘટનાસ્થળે હાજર લોકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે મામલો રફાચફા કરવા માટે કારની નંબર પ્લેટ હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થાનિકોએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન તકનો લાભ લઈને કાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

🧐મોટો સવાલ:

ગુજરાતમાં દારૂબંધીના કડક દાવાઓ કરતી સરકાર સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે જો રક્ષક જ ભક્ષક બનશે અને ખાખી જ કાયદો તોડશે, તો શું આ મામલે ખરેખર નિષ્પક્ષ તપાસ થશે ખરી? કે પછી હંમેશાની જેમ મામલો દબાવી દેવામાં આવશે? તે હવે જોવાનું રહ્યું.

Trending

Exit mobile version