લોકરોષ:એક તરફ પાણીની તંગી અને બીજી તરફ આવો વેડફાટ, સ્થાનિકોમાં પાલિકા સામે ભારે રોષ.
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીનો એક વધુ કિસ્સો આજે સામે આવ્યો છે. શહેરના છાણી-બાજવા ગરનાળામાં વહેલી સવારે મુખ્ય પાણીની પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું. વગર વરસાદે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતા અહીંથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
🌊પાણીનો વેડફાટ:
આ ગંભીર લીકેજને કારણે ટૂંક જ સમયમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને ગરનાળું એક તળાવ જેવું દ્રશ્યમાન થવા લાગ્યું હતું. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં રહીશો પાણીની તંગી ભોગવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાતંત્રની નજર સામે જ લાખો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. આ વેડફાટને જોઈને સ્થાનિક રહીશોમાં પાલિકાતંત્રની કામગીરી સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.
🗣️સ્થાનિકોમાં રોષ:
સ્થાનિક લોકોનું કહેવું છે કે જો પાલિકા દ્વારા મેઈન્ટેનન્સ અને લાઈનનું ચેકિંગ સમયસર કરવામાં આવ્યું હોત, તો આ પ્રકારની મોટી હોનારત ન સર્જાત. પાણીની લાઈનો જૂની હોવા છતાં તંત્ર દ્વારા તેને બદલવામાં કે મરામત કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે, જેનું પરિણામ આજે પ્રજાએ ભોગવવું પડ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોને લાંબો ચકરાવો લેવો પડ્યો હતો.
હવે સવાલ એ છે કે, આવી રીતે રોજ વેડફાતા પાણીની જવાબદારી કોની? શું પાલિકા તંત્ર જાગશે અને આગામી દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉકેલ લાવશે?