જિલ્લાના વાઘોડિયા તાલુકાના બોડીદ્રા ગામમાં રહેતા યુવાન પંખી – પ્રેમી પંખીડાએ ગામની સીમમાં બાવળની ઝાડની ડાળી ઉપર દોરડાથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમના દિવસોમાં એકબીજાને આપેલા વચનો પૂરા થશે નહીં તેવા ડરથી પ્રેમ સંબંધનો કરુણ અંત લાવવાના આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે બોડીદ્રા ગામમા પરમાર ફળિયામાં રહેતી 19 વર્ષીય હિરલ પ્રતાપસિંહ પરમાર સિવણનુ કામ કરતી હતી અને હિરલથી પચાસ મીટર દૂર પરમાર ફળિયામાં જ રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 20 વર્ષિય મિતેશ રમેશભાઈ ચૌહાણ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો.
હિરલ પરમાર અને મિતેશ ચૌહાણ એકબીજાને અતુટ પ્રેમ કરતા હતા. તેઓ લગ્ન કરીને સંસારિક જીવન જીવવા ઈચ્છતા હતા. પરંતુ કોઈ કારણસર તેઓને પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમશે નહીં, તેવો ડર સતાવી રહ્યો હશે. મિતેશ આપઘાત કરવાના દિવસે કંપનીમાંથી અડધી રજા મૂકી ઘરે આવી ગયો હતો. અને હિરલ સાથે નક્કી કરેલા સમયે ગામની સીમમાં પહોંચી ગયો હતો. ગામની સીમમાં નક્કી કરેલા સ્થળે પહોંચેલા હિરલ અને મિતેશે બાવળના ઝાડની ડાળી પર એક જ દોડાથી ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી.
હિરલ અને મિતેશે પ્રેમનો કરુણ અંત આવ્યો હોવાની જાણ ગામમાં પ્રસરી જતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બનતા જ હિરલ પરમાર અને મિતેશ ચૌહાણના પરિવારજનો સહિત ગામના લોકો ગામની સીમમા દોડી ગયા હતા અને બંનેના મૃતદેહને ઝાડની ડાળીએથી નીચે ઉતારી જરોદ પોલીસને જાણ કરી હતી. તુરતજ જરૂર પોલીસ મથકના પી.આઇ. જે. એ. બારોટની સુચના અનુસાર પીએસઆઇ એસ. જે. ડામોર સ્ટાફ સાથે દોડી ગયા હતા અને પ્રેમી પંખીડાના મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
બોડીદ્રા ગામના પ્રેમી પંખીડાએ ચોક્કસ કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય છે. પરંતુ કહેવાય છે કે બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તેઓ અલગ જ્ઞાતિના હોવાથી પરિવારજનો મંજૂરી નહીં આપે તેવા ડરથી ગામની સીમમાં જઈને અપઘાત કરી લીધો હતો. જોકે આ બનાવ અંગે જરોદ પોલીસે પ્રેમી પંખીડાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જીણવટ ભરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.