22 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક આશરે 4 થી 5 લાખ રૂપિયા કમાય છે અને ભરપૂર સ્વાસ્થ્ય લાભો મેળવે છે..
ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક પ્રસંગોએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત કરવાનો અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતથી શરૂ થયેલી પ્રાકૃતિક ખેતી ક્રાંતિને રાષ્ટ્રીય સ્તરે આગળ ધપાવી છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરો-કીટનાશકો પરની નિર્ભરતા ઓછા કરીને પ્રાકૃતિક ખેતી કરવા આહ્વાન કર્યું છે. આ પ્રેરણાથી ગુજરાતના અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે અને સંજય પટેલ જેવા ખેડૂત તેમના કાર્ય દ્વારા આ અભિયાનને જીવંત બનાવી રહ્યા છે.
Advertisement
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કોટંબી ગામે 50 વર્ષીય સંજયભાઈ વલ્લભભાઈ પટેલે એમની 22 વીઘા જમીન પર ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી જેવી કે, ખાસ કરીને IoT (Internet of Things) સાથે જોડીને એક અનોખું મોડેલ ઉભું કર્યું છે. સંજયભાઈનું જીવન ક્યારેક એક શિપિંગ કંપનીના વ્યસ્ત કાર્યાલયમાં પસાર થતું હતું. ત્યાંના કાર્યક્ષેત્રે તેમને જીવનની દોડધામમાં આરોગ્ય ગુમાવવું પડ્યું – તણાવ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, સ્થૂળતા જેવી અનેક સમસ્યાઓથી તેઓ ઘેરાયા. પરંતુ પ્રકૃતિએ તેમને ફરીથી જીવન આપ્યું. પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા પછી તેમને માત્ર આરોગ્યની પુનઃપ્રાપ્તિ જ ન મળી, પણ પ્રકૃતિની નજીક રહીને માનસિક શાંતિ પણ મળી.
વર્ષ 2019થી શરૂ કરેલી આ ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. 2020માં તેઓ સરકાર દ્વારા સંચાલિત આત્મા પ્રોજેક્ટના સભ્ય બન્યા અને મિશ્ર મોડલ ખેતી અપનાવી. તેમના ખેતરમાં આજે શાકભાજી સાથે ફળો અને હર્બલ છોડની અનેક જાતો કરી રહી છે. શાકભાજી વેચીને તેઓ દર વર્ષે 4 થી 5 લાખ રૂપિયાની આવક મેળવે છે, જ્યારે આગામી વર્ષોમાં ફળો અને ઔષધીય છોડમાંથી વધુ સારી આવકની અપેક્ષા છે.
સંજયભાઈની ગૌશાળા તેમની ખેતીનું હૃદય છે. લગભગ 33 ગાયોની સેવા તેઓ કરે છે. આ ગાયોનું દૂધ માત્ર પોષણ પૂરું પાડતું નથી, પરંતુ ઔષધિય ગુણોથી ભરપૂર ઘી બનાવવામાં ઉપયોગી થાય છે. આ ઘી બજારમાં 700 થી 800 રૂપિયા પ્રતિ કિલોગ્રામે વેચાય છે અને તેની ભારે માંગ છે. એક વર્ષમાં તેઓ લગભગ 100 લિટર ઘી વેચી રહ્યા છે.
ખેતીમાં તેમણે આધુનિક ટેક્નોલોજીનો પણ સુયોગ્ય ઉપયોગ કર્યો છે. IoT આધારિત મિકેનિઝમ દ્વારા ખેતરમાં તાપમાન, પવનની ગતિ, વરસાદનું પ્રમાણ, ધુમ્મસ અને જમીનની ભેજ જેવા પરિમાણોનું સચોટ નિરીક્ષણ થાય છે. મોબાઇલ એપ્લિકેશન મારફતે તેઓ પાણી આપવાની જરૂરીયાતથી લઈને સ્લરી વિતરણ સુધીની દરેક પ્રક્રિયા સરળતાથી નિયંત્રિત કરી શકે છે. આ પદ્ધતિએ તેમને ઉપજમાં ગુણવત્તા અને ઉત્પાદકતા બંનેમાં વધારો અપાવ્યો છે.
સંજયભાઈ ખેતી સાથે સાથે કુદરતી ઉત્પાદનોના નિર્માણમાં પણ અગ્રેસર છે. “સ્વયુર આયુર્વેદ સ્ટોર” નામે તેઓએ સ્વાસ્થ્ય અને સુખાકારી માટેના આશરે 1200 ઉત્પાદનો તૈયાર કર્યા છે જેમકે ગૌમુત્ર અર્કથી માંડીને ગૌનીલ ફ્લોર ક્લીનર અને ગૌનસ્ય ઇન્હેલર. વડોદરા અને મુંબઈના બજારમાં તેમનું એક મજબૂત સ્થાન છે, અને હવે તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં ગ્રાહકો સુધી પહોંચવાનું સપનું જોઈ રહ્યા છે.
“પ્રકૃતિના ખોળે જીવવું એ જ સાચું જીવન છે,” સંજયભાઈ કહે છે. “હું હવે મારા ખેતરને માત્ર કમાણીનું સાધન નથી માનતો, પરંતુ આરોગ્ય, સુખાકારી અને ભવિષ્ય માટેનો એક સંદેશ માનું છું. આગામી સમયમાં હું તુલસી અને લેમનગ્રાસ જેવા છોડ ઉગાડી તેનો એસેન્સ બનાવી વ્યાપાર સ્તરે વેચવાનું આયોજન કરું છું. સાથે જ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય રસ ધરાવતા લોકોને ફાર્મ મુલાકાત માટે આમંત્રિત કરી તેમને પ્રાકૃતિક ખેતીનો અનુભવ અપાવવા ઇચ્છું છું.”