વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ બેઠકો માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં 11 વાગ્યાથી મતદારોની અવરજવર જોવા મળી હતી. આશરે 10 વર્ષ બાદ સંસ્થામાં ચૂંટણી આવતા સહકારી અગ્રણીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યાં તાલુકા કક્ષાની વિ. કા મંડળીના પ્રતિનિધિઓ મતદાન માટે આવી પહોંચ્યા હતા.
વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે 4 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે ઉમેદવારી ફોર્મ ભર્યાની સમયમર્યાદા પૂર્ણ થયા સુધી ભાજપે મેન્ડેટ સહિત ઉમેદવારની યાદી પ્રસિદ્ધ નહીં કરતા મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું હતું. જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખે પ્રતિસ્પર્ધી ભાજપના જ સહકારી અગ્રણીઓ પૈકી પાદરા અને કરજણ 1 ઝોન માંથી ભાજપના અન્ય સહકારી અગ્રણી ઉમેદવારે ફોર્મ પરત નહિ ખેંચતા બે બેઠકો પર ભાજપ વિરુદ્ધ ભાજપનો ઘાટ સર્જાયો હતો.
જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીની ઉમેદવારી ઉભી રહેતા વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. આમ પાદરા, કરજણ 1 અને વાઘોડિયા એમ ત્રણ બેઠકો માટે આજે મતદાનનો પ્રારંભ થયો હતો.
મર્યાદિત મતદારોમાં વર્ચસ્વની ખેંચતાણ
મહત્વનું છે કે, વડોદરા જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ગામેગામ કાર્યરત વિવિધ કાર્યકરી મંડળીના ઠરાવથી મતદારોને માન્યતા મળે છે. ત્રણ ઝોનની ચૂંટણીમાં કરજણ 1માં 40 મતદાર,પાદરા ઝોનમાં 36 મતદાર અને વાઘોડિયા ઝોનમાં 36 મતદારો મતદાન કરવા માટે માન્યતા પામ્યા છે. આટલા ઓછા મતદારો વચ્ચે મળતા પ્રલોભનોને કારણે જીત હાંસિલ કરવી અઘરી થઈ પડે છે.
મતદારોને રીઝવવા નીકળેલા ઉમેદવારો વચ્ચે થઈ હતી ઝપાઝપી
ચૂંટણીના એક દિવસ પૂર્વે કરજણ 1 બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ અને સતિષ નિશાળીયા સમર્થીત ઉમેદવાર વિશાલ પટેલ વચ્ચે ઘર્ષણ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જાણવા મળતી માહિતી પ્રમાણે સતીષ નિશાળીયા સમર્થીત ઉમેદવાર વિશાલ પટેલ અને તાલુકા પંચાયત સભ્ય રોહન પટેલ નિશાળીયા એક મતદારને રીઝવવા મતદારની ઘરે પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પ્રચાર કરવા નીકળેલા ભાજપના મેન્ડેટથી જીતેલા રોહન પટેલ નિશાળીયાને ધર્મેશ પટેલ અને સમર્થકોએ ઘેરી લીધા હતા. અને સામસામે અપશબ્દોનો મારો ચલાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં લાંબા સંઘર્ષ બાદ સમાધાન થયું હોવાનું જાણવા મળે છે.