Vadodara

VMC નું ‘તઘલખી’ શાસન! કચરાના કન્ટેનર હટાવતા નાગરિકો માટે ‘કચરો ક્યાં ફેંકવા મજબૂર, એડવોકેટ શૈલેષ અમીનનો કમિશનરને પત્ર

Published

on

  • તઘલખી નિર્ણય: પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા વગર શહેરમાંથી કચરાના કન્ટેનર હટાવી લેતા ગંભીર પ્રશ્નો સર્જાયા છે.
  • નાગરિકોની લાચારી: સ્વચ્છતા રાખવા માંગતા નાગરિકો હવે કચરો ક્યાં ફેંકવો તે અંગે મુંઝવણમાં છે.
  • આક્રમક રજૂઆત: એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી તંત્રને આડે હાથ લીધું છે.
  • ગંદકીની ચેતવણી: જો કન્ટેનર પરત નહીં મૂકાય તો આખું શહેર ગંદકીના ગંજમાં ફેરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

વડોદરા: એક તરફ ‘સ્વચ્છ ભારત’નું સ્વપ્ન જોવાતું હોય, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી કચરાના કન્ટેનર હટાવી લેવાના નિર્ણય સામે હવે વિરોધનો સૂર ઉઠ્યો છે. ‘વિશ્વામિત્રી બચાવો સમિતિ’ના એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આક્ષેપ કર્યો છે કે, તંત્ર જાણીજોઈને નાગરિકોને રસ્તા પર કચરો ફેંકવા મજબૂર કરી રહ્યું છે. શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરી સવારના સમયે થાય છે, પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન એકત્ર થતા ઘરગથ્થુ કચરાના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા રાખવામાં આવી નથી.

🧐શું છે મુખ્ય સમસ્યા?

પત્રમાં જણાવ્યા મુજબ, કારેલીબાગ વિસ્તારમાં આવેલા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પાસેનો કચરા પોઈન્ટ, આર્યકન્યા ગુરુકુળ પાસેનો પોઈન્ટ અને ડઝાપા મેદાન પાસેના કન્ટેનર તંત્ર દ્વારા કાયમી ધોરણે હટાવી લેવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, ડોર-ટુ-ડોર ગાડી સવારે 7 થી 8 વાગ્યાની વચ્ચે આવે છે, જ્યારે મોટાભાગના ઘરોમાં કચરો સવારના 11 વાગ્યા પછી જ ભેગો થાય છે. કન્ટેનર હટાવી લેતા હવે નાગરિકો પાસે કચરો ફેંકવાનો કોઈ વિકલ્પ રહ્યો નથી, પરિણામે કચરાની થેલીઓ રસ્તાઓ અને બ્રીજ પર ફેંકવા લોકો મજબૂર બન્યા છે, જેના કારણે ગંદકી વધી રહી છે.

⚠️દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે વિવાદ અને કન્ટેનરનું ભવિષ્ય

એડવોકેટ શૈલેષ અમીને પત્રમાં એક ચોંકાવનારો ઉલ્લેખ કર્યો છે કે, અગાઉ દબાણ હટાવવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ભાજપી પદાધિકારીઓ પર એક માથાભારે ઈસમે ગેસ સિલિન્ડર ફેંક્યો હતો. આ ઘટના બાદ ડરી ગયેલા તંત્રએ કાયદાનો અમલ કરવાને બદલે કચરાનું કન્ટેનર જ કાયમી ધોરણે હટાવી લીધું હતું. નાગરિકો હવે પૂછી રહ્યા છે કે શું તંત્ર આ માથાભારે ઈસમો સામે લાચાર છે?

🫵તંત્ર સામે આકરા સવાલો:

  • જ્યારે નાગરિકો પોતે સ્વચ્છતા પાળવા માંગે છે, ત્યારે તંત્ર કન્ટેનર હટાવીને ગંદકીને કેમ આમંત્રણ આપી રહ્યું છે?
  • શું વડોદરા કોર્પોરેશન નાગરિકોને રસ્તા પર કચરો ફેંકવા ઉકસાવી રહી છે?
  • માથાભારે ઈસમોના દબાણ હેઠળ કન્ટેનર હટાવવાનો નિર્ણય વહીવટી નિષ્ફળતા નથી?

👉હવે જોવાનું એ છે કે મ્યુનિસિપલ કમિશનર આ મામલે યોગ્ય નિર્ણય લઈ ફરીથી કન્ટેનર મૂકે છે કે પછી વડોદરા શહેર ગંદકીના ગંજમાં ફેરવાઈ જશે.

Trending

Exit mobile version