સંસ્કારી નગરી વડોદરામાં અસામાજિક તત્વોનો ફાટી નીકળેલો આતંક વધુ એકવાર સામે આવ્યો છે. શહેરના નવાપુરા વિસ્તારમાં ઘર આંગણે બેઠેલા એક 16 વર્ષના સગીર પર બે અજાણ્યા મોપેડ સવાર શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. ધોળે દિવસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
- ઘટના સ્થળ: મહેબૂબપૂરા, સરકારી આરોગ્ય ઓફિસ પાસે, નવાપુરા, વડોદરા.
- ભોગ બનનાર: 16 વર્ષીય સગીર (અનવર મોહમ્મદ શેખનો ભત્રીજો).
નવાપુરાના મહેબૂબપૂરામાં રહેતા અને તિજોરીના વ્યવસાય સાથે સંકળાયેલા અનવર મોહમ્મદ શેખનો ૧૬ વર્ષનો ભત્રીજો ગઈકાલે બપોરે ઘર પાસે આવેલા બાંકડા પર બેઠો હતો. તે દરમિયાન એક મોપેડ પર બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને સગીરને કારણ વગર ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
જ્યારે સગીરે ગાળો આપવાનું કારણ પૂછ્યું, ત્યારે ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પોલીસ ચોકી પાસે જ મોપેડ ઊભું રાખ્યું હતું. મોપેડની પાછળ બેઠેલા શખ્સે પોતાના ખિસ્સામાંથી ધારદાર હથિયાર કાઢી સગીર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં સગીરને હથેળીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેને 7 ટાંકા આવ્યા છે.
હુમલો કર્યા બાદ બંને આરોપીઓ ફિલ્મી ઢબે મોપેડ પર નાસી છૂટ્યા હતા. આ મામલે નવાપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.