Vadodara

દુમાડ ચોકડી અને સમા તળાવને નિશાન બનાવનાર વાહન ચોર જેલના ભેગા: 10 બાઈક-એક્ટિવા રિકવર.

Published

on

વડોદરા શહેરમાં વાહન ચોરીના વધતા કિસ્સાઓ વચ્ચે સમા પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. દુમાડ ચોકડી અને સમા તળાવ જેવા વિસ્તારોમાં નોકરીયાત વર્ગના પાર્ક કરેલા વાહનો ચોરનાર એક રીઢા તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે વડોદરા શહેર અને ડાકોર સહિતના કુલ 07 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને 3.13 લાખની કિંમતના 10 વાહનો રિકવર કરવામાં આવ્યા છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ દ્વારા શહેરમાં વણઉકેલાયેલા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે મળેલી કડક સૂચના બાદ સમા પોલીસ એક્શન મોડમાં આવી હતી.

સમા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.બી. કોડીયાતરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દીપકકુમાર, વિપુલસિંહ અને વિશાલભાઈની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી હતી કે, “રાખોડી જેકેટ અને પટ્ટાવાળો શર્ટ પહેરેલો એક ઇસમ નંબર પ્લેટ વગરના કાળા કલરના સ્પ્લેન્ડર બાઈક સાથે પૃથ્વીરાજ સર્કલથી મેકડોનાલ્ડ તરફ જઈ રહ્યો છે અને તે આ બાઈક વેચવાની ફિરાકમાં છે.”

બાતમીના આધારે પોલીસે શ્યામ વિહાર ફ્લેટ સામે વોચ ગોઠવી શંકાસ્પદ ઇસમને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેની પાસે વાહનના કોઈ કાગળો નહોતા. ટેકનિકલ તપાસ કરતા જાણવા મળ્યું કે આ બાઈક (GJ-07-EB-6080) તેણે આઠ મહિના પહેલા ડાકોર મંદિર પાસેથી ચોરી કર્યું હતું.

🧐ચોરીની મોડસ ઓપરેન્ડી:

પકડાયેલ આરોપી રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો કાંતિભાઇ ભાટીયા (રહે. બહિધારા, સાવલી / હાલ ખંભળોજ, આણંદ) એ કબૂલાત કરી હતી કે તે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને લોક ખોલી વાહનોની ચોરી કરતો હતો.

  • નિશાન: નોકરીયાત વર્ગના પાર્ક કરેલા વાહનો.
  • વિસ્તારો: દુમાડ ચોકડી, સમા તળાવ, કમાટી બાગ, સૂરસાગર, આજવા રોડ APMC અને ઇસ્કોન મંદિર (ગોત્રી).

✍️કબજે કરેલો મુદ્દામાલ:

પોલીસે આરોપી પાસેથી કુલ 10 વાહનો જપ્ત કર્યા છે, જેમાં:

  • 96 – હિરો સ્પ્લેન્ડર અને હોન્ડા સાઈન મોટરસાયકલ.
  • 04 – હોન્ડા એક્ટિવા મોપેડ.
  • કુલ કિંમત: રૂ. 3,13,000/-

🚨ગુનાહિત ઇતિહાસ:

આ આરોપી રીઢો ગુનેગાર છે. અગાઉ 2020 અને 2021માં ભાદરવા અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ વાહન ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલની કાર્યવાહીમાં સમા, સયાજીગંજ, રાવપુરા, કપુરાઈ, ગોત્રી અને ડાકોર પોલીસ સ્ટેશનના કુલ 07 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે.

👉આમ, વડોદરાની સમા પોલીસે સતર્કતા દાખવીને એક રીઢા તસ્કરને જેલના સળિયા પાછળ ધકેલી શહેરના અનેક વાહન ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.

Trending

Exit mobile version