Vadodara

UPની ગેંગ લૂંટના ઇરાદે તમંચા અને માઉઝર સાથે વડોદરા શહેરમાં પ્રવેશે તે પહેલાં વરણામા પોલીસે ઝડપી પાડી

Published

on

વડોદરા જીલ્લાના વરણામાં પોલીસે દેશી બનાવટના બે અગ્નિશસ્ત્ર સાથે લૂંટના ઇરાદે નીકળેલી ટોળકીનો દિલધડક રીતે પીછો કરીને લૂંટની યોજના વિફલ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે એક કાર સહિત બે દેશી બનાવટના હથિયાર કબજે લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક વરણામાં પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન એક મારુતિ સ્વીફ્ટ કાર જેનો રજીસ્ટ્રેશન નંબર UP72 BY 7296 પર શંકા જતા તેણે રોકવાનો પ્રયત્ન કર્યો હતો.કારમાં છ જેટલા ઈસમો બેઠેલા હતા. જેઓ પોલીસને જોતા જ ડરી ગયા હતા.

Advertisement

પોલીસ તપાસ માટે તેઓને નીચે ઉતારતા જ તેઓ ચાલુ વાહનવ્યવહાર નો લાભ લઈને સ્થળ પરથી ભાગવા ગયા હતા. આ દરમિયાન પોલીસે એક વ્યક્તિને દબોચી લીધો હતો. જ્યારે અન્ય પાંચ આરોપીઓ ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસે પકડાયેલા આરોપીની જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો તેમજ દેશી બનાવટની એક માઉઝર ગન મળી આવી હતી.

પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેનું નામ શાહરૂખ નજીમ અલી રહે. કુશલગઢ,જીલ્લો પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ જણાવ્યું હતું. જ્યારે આરોપી સાથે કારમાં આવેલા મૂળ યુપીના શાહબાઝ ઉર્ફે લંબુ મોઇન, સૂફીયાન ઉર્ફે પોચી મુરાદઅલી,સહરેયાર ઇબ્રાર તેમજ અન્ય ત્રણ શખ્સોની ઓળખ કરી હતી. પકડાયેલા આરોપીએ કબુલ્યું હતું કે તેઓ તમામ ભેગા મળીને લૂંટ કરવાના ઇરાદે દેશી હથિયારો સાથે નીકળ્યા હતા.

પોલીસે UP રજીસ્ટ્રેશન નંબરની સ્વીફ્ટ કાર,એક દેશી તમંચો,એક દેશી માઉઝર ગન,તમંચાના પાંચ કારતુસ તેમજ માઉઝરના 12 કારતુસ સહિત બે મોબાઈલ ફોન મળીને 4,66,700 રૂ.નો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરીને ક્યાં અને કેવી રીતે લૂંટને અંજામ આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

Trending

Exit mobile version