Gujarat

અમદાવાદ: એસ.જી. હાઈવે પર કાળમુખો અકસ્માત, ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નીકળ્યો

Published

on

  • ગાંધીનગર ભાજપના પૂર્વ મહામંત્રી આઈ.બી. વાઘેલાના પુત્ર ધવલનું ઘટનાસ્થળે મોત.
  • કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાઈ: યુવતીની હાલત ગંભીર, અન્ય બે ઈજાગ્રસ્ત.
  • અકસ્માતને પગલે હાઈવે પર કીલોમીટરો સુધી ટ્રાફિક જામ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે.

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જતી એક ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો લોહીલુહાણ થયા છે.

ઘટનાની વિગતો મુજબ, અમદાવાદથી ગાંધીનગર તરફ જતી એક સફેદ રંગની ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તે સીધી ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈ. બી. વાઘેલાના ૨૪ વર્ષીય પુત્ર ધવલ વાઘેલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. કારમાં સવાર ૨૧ વર્ષીય યુવતી દેવાંશી પંડ્યાને ગંભીર ઈજાઓ પહોંચતા તેને આઈસીયુમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અફસાનાબાનુ અને રસુલ આજમ નામના અન્ય બે વ્યક્તિઓ પણ આ અકસ્માતની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા છે.

જ્યારે અકસ્માતને પગલે એસ.જી. હાઈવે પર રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. ટ્રાફિક જામને કારણે વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. પોલીસે ક્રેન બોલાવીને અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી.

પોલીસે હાલ આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર વાહનોની ગતિ મર્યાદા અને સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

Trending

Exit mobile version