વડોદરા શહેરમાં ગુનેગારોનો ખોફ એટલો વધી ગયો છે કે હવે સિનિયર સિટીઝન વેપારીઓ પોતાના ઘર પાસે પણ સુરક્ષિત નથી. ગત રાત્રે વારસિયા વિસ્તારમાં એક વેપારી જ્યારે પોતાની દુકાન વધારીને ઘરે પહોંચ્યા, ત્યારે જ મોપેડ અને બાઈક પર આવેલા ચાર લૂંટારુઓએ તેમની આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.
ઘટનાની વિગત મુજબ, હરણી-વારસિયા રિંગ રોડ પર આવેલી ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી લીલારામ રેવાણી રાત્રે સાડા આઠ વાગ્યે પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફર્યા હતા. સોની એપાર્ટમેન્ટ પાસે જેવી તેમણે પોતાની કાર ઉભી રાખી, ત્યાં જ કાળું કપડું બાંધીને આવેલા ચાર શખ્સોએ તેમને ઘેરી લીધા હતા.
લૂંટારુઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક વેપારીની ફેટ પકડી છાતીના ભાગે મુક્કા માર્યા હતા અને તેમની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. વેપારી કંઈ સમજે તે પહેલા જ આરોપીઓ કારની પાછળની સીટ પર પડેલી હેન્ડબેગ, જેમાં એક લાખ રૂપિયા રોકડા હતા, તે લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે નાકાબંધી અને પેટ્રોલિંગના આધારે ગણતરીના સમયમાં જ લૂંટની ટોળકી પૈકીના એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જ્યારે તેના અન્ય સાથીદારો લૂંટનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા છે.
“વારસિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં અન્ય ફરાર આરોપીઓના નામ ખુલવાની અને મુદ્દામાલ રિકવર થવાની પૂરેપૂરી શક્યતા છે.”
હાલમાં વારસિયા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં વધતી જતી આવી ઘટનાઓએ સિનિયર સિટીઝનોની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.