વડોદરા શહેરમાંથી ફરી એકવાર આત્મહત્યાની કરૂણ ઘટના સામે આવી છે. સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા વુડાના આવાસોમાં રહેતા એક આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત એવી છે કે, સોમા તળાવ ચાર રસ્તા નજીકના વુડા મકાન આવાસમાં રહેતા આશરે 25 વર્ષીય મોસીન હુસેન મિયા રંગવાલાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પરિવારજનોને આ બાબતની જાણ થઈ, ત્યારે ઘરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું.
સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ યુવકના મૃતદેહને પંખા પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કોઈ પણ પ્રકારની સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જેને કારણે આ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે. શું યુવાન કોઈ માનસિક તણાવમાં હતો? કે પછી કોઈ અન્ય અંગત કારણ જવાબદાર છે? તે દિશામાં પોલીસે પરિવારજનો અને પાડોશીઓના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારની પૂછપરછ બાદ જ આ આત્મહત્યા પરથી પડદો ઉચકાશે. હાલમાં તો એક યુવાનના મોતે તેના પરિવારને ક્યારેય ન પુરાય તેવી ખોટ આપી છે.