Vadodara

વડોદરામાં શુદ્ધ પાણીના દાવાઓની પોલ ખુલી: ટીપી-૧૩ ખાતે પાણીની ટાંકીની સફાઈ વેળાએ નીકળ્યું કાળા રંગનું દૂષિત પાણી

Published

on

  • ટાંકી સફાઈમાં કાળું પાણી: ટીપી-૧૩ વિસ્તારમાં પાણીની ટાંકીની સફાઈ વખતે કાળા રંગનું દૂષિત પાણી બહાર આવતા ભારે હડકંપ મચ્યો.
  • ગંદકી અને કાદવનું સામ્રાજ્ય: ટાંકીમાં વર્ષોથી જામેલી ગંદકીના કારણે નાગરિકોને અત્યાર સુધી દૂષિત પાણી પૂરું પડાતું હોવાની પ્રબળ આશંકા.
  • કાઉન્સિલરના આક્ષેપો: વોર્ડ નં-૧ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ અગાઉની ફરિયાદો છતાં તંત્ર દ્વારા નિયમિત સફાઈ ન કરાતી હોવાના આક્ષેપો કર્યા.
  • આરોગ્ય સામે જોખમ: વેરો ભરતા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાં સામે તંત્રની કામગીરી સામે ઉગ્ર રોષ પ્રજવલિત થયો છે

વડોદરા શહેરના નાગરિકોને પૂરતા દબાણથી અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાના વડોદરા મહાનગરપાલિકાના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારીને ઉજાગર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ટીપી-૧૩ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે શરૂઆતમાં જ કાળા રંગનું અત્યંત ગંદુ પાણી બહાર આવતા પાણીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ટાંકીની અંદર જામેલા કાદવ અને કચરાની સ્થિતિ જોઈને સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વોર્ડ નંબર-૧ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ આ અંગે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીમાં દૂષિતતાની ફરિયાદો સતત મળી રહી હતી. આ બાબતે અગાઉ અનેકવાર સંબંધિત અધિકારીઓને રજૂઆતો અને ટકોરો કરવામાં આવી હતી, જેના પરિણામે આખરે ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સફાઈની શરૂઆતમાં જ જે પ્રકારે કાળા રંગનું દૂષિત પાણી બહાર આવ્યું છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે ટાંકીની અંદર કેટલા પ્રમાણમાં કાદવ અને ગંદકી જમા થઈ હશે અને અત્યાર સુધી નાગરિકોને કેવું જીવલેણ પાણી પીવા માટે આપવામાં આવતું હશે.

નિયમ મુજબ પાણીની ઓવરહેડ કે અંડરગ્રાઉન્ડ ટાંકીઓની વર્ષમાં ઓછામાં ઓછી એકથી બે વખત વૈજ્ઞાનિકઢબે સફાઈ થવી અનિવાર્ય છે. પરંતુ વડોદરા શહેરની તમામ પાણીની ટાંકીઓની સમયાંતરે સફાઈ કરવામાં આવે છે કે કેમ તે એક મોટો અને ગંભીર પ્રશ્ન બન્યો છે. જનતા સમયસર મ્યુનિસિપલ વેરા ભરે છે, તો તેની સામે મૂળભૂત અધિકાર તરીકે શુદ્ધ પીવાનું પાણી મળવું જ જોઈએ. પાલિકા તંત્રની આ પ્રકારની ઘોર લાપરવાહી સામે જો આગામી દિવસોમાં કડક પગલાં નહીં લેવાય તો જનઆંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Trending

Exit mobile version