ખૂની ખેલ: સામાન મૂકવા બાબતે થયેલી તકરારમાં હેર ડ્રેસરની કરપીણ હત્યા.
- કપુરાઈ પોલીસની સફળતા: મોબાઈલ વગર નાસતા ફરતા આરોપી કિરણ ચાવડાની બાતમીના આધારે ધરપકડ.
- પોલીસ એક્શન: સીપી નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ કપુરાઈ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો.
- ન્યાયની પ્રક્રિયા: આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ.
વડોદરા: શહેરના જામ્બુઆ વિસ્તારમાં ગત 14 માર્ચના રોજ હેર કટીંગની દુકાન ચલાવતા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરવામાં આવેલી હત્યાના કેસમાં કપુરાઈ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી કિરણ જશુભાઈ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
🧐શું હતી સમગ્ર ઘટના?
જામ્બુઆના સુંદરાપુરા રોડ પર આવેલા હેર સ્ટુડીઓ દુકાન નં 14 હેર સ્ટુડીઓ નામની દુકાનમા ઓનેટ ટાઉનવિલા માં નોકરી કરતા મિતેશકુમાર રમણભાઈ હળવદ (વાળંદ) નામના 37 વર્ષીય યુવકની તેની જ દુકાનમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી. પાડોશમાં રહેતા આરોપી કિરણ ચાવડા સાથે અગાઉ દુકાન આગળ સામાન મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી ગત શનિવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે કિરણ ચાવડાએ મિતેશ પર તીક્ષ્ણ હથિયાર વડે માથા અને છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મિતેશનું એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
🚨પોલીસની તપાસ અને ધરપકડ:
આ ઘટનાને પગલે વડોદરાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ અને કપુરાઈ પોલીસની ટીમો કામે લાગી હતી. આરોપી કિરણ ચાવડા પોલીસ પકડથી બચવા માટે પોતાનો મોબાઈલ ફોન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો, જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ બન્યો હતો.
જોકે, કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાવલ અને પી.એસ.આઈ. એલ.એન. સાંસલાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી કપુરાઈ બ્રિજ પાસે કોઈ વાહનની રાહ જોઈ ઉભો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કિરણ જશુભાઈ ચાવડા (ઉં.વ. 41) ને ઝડપી પાડ્યો હતો.
👮આગામી કાર્યવાહી:
કપુરાઈ પોલીસે આરોપી વિરુદ્ધ BNS ની કલમ ૧૦૩(૧) (હત્યા) અને જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી હત્યામાં વપરાયેલ હથિયાર અને અન્ય પુરાવાઓ એકત્ર કરી શકાય.