શહેરમાં દરોડામાં રૂ. 18.48 લાખની કિંમતનું પેટ્રોલ-ડિઝલ, રોકડ, મોબાઇલ, વાહન અને ટેન્કર મળીને કુલ રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- પેટ્રોલ-ડિઝલ માફિયા પર ગાળિયો કસતું સ્ટેટ મોનીટરીંગ સેલ
- ખુલ્લા પ્લોટમાંથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત
- સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ
વડોદરા શહેર પોલીસમાં આવતા જવાબર નગર પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડીને મોટું પેટ્રોલ-ડિઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓને દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમ્મા રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં આ ગોરખધંધો આચરવામાં આવતો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ હોવાનું સપાટી પર આવ્યું છે.
વડોદરામાં પેટ્રોલ-ડિઝલ માફિયાઓ પર લગામ કસવામાં જોઇએ તેવી સફળતા મળી નથી. જેથી આ તત્વો બેફામ બનીને પેટ્રોલ-ડિઝલ ચોરીને અંજામ આપતા રહે છે. તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા શહેરના જવાહર પોલીસ મથક વિસ્તારમાં આવેલી અમ્મા રોડવેઝની ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસેના ખુલ્લા પ્લોટમાં દરોડા પાડ્યા હતા. જેમાં પેટ્રોલ-ડિઝલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં રૂ. 18.48 લાખની કિંમતનું પેટ્રોલ-ડિઝલ, રોકડ, મોબાઇલ, વાહન અને ટેન્કર મળીને કુલ રૂ. 44.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યવાહીમાં મુખ્ય આરોપી શકીલ સમુનભાઇ રંગવાલા (રહે. ફતેગંજ), નોકર મીશીલેશ લાલબહાદુર યાદવ (રહે. રણોલી), નોકર વિપુલ સૂરસિંહ પરમાર (રહે. મિશરાપૂર, વડોદરા) અને ટેન્કર ચાલક દિનેશ કુમાર રામ કૈલાશ યાદવ (રહે. રણોલી, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પૈકી મુખ્ય આરોપી શકીલ સમુનભાઇ રંગવાલા (રહે. ફતેગંજ) ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ પીપી. બ્રહ્મભટ્ટની આગેવાનીમાં આ દરોડા પાડવામાં આવ્યા છે.