- નાની બાબતમાં લોહીની હોળી: ધક્કો વાગવા જેવી સામાન્ય બાબતે બે વિદ્યાર્થીઓ લડ્યા; છોડાવવા ગયેલા ત્રીજા વિદ્યાર્થીને ઝીંકાયું ચાકુ.
- પરીક્ષા બાદ હોબાળો: ધોરણ 9 ના વિદ્યાર્થીઓ વચ્ચે બેગ લેવા જેવી બાબતે થઈ હતી બોલાચાલી; શાળા છૂટતા જ વાતાવરણ ગરમાયું.
- લોહીલુહાણ હાલત: ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સ્થળ પર જ અપાઈ સારવાર; શાળા કેમ્પસમાં મચી દોડધામ.
- સમાધાનનો આશરો: ગંભીર હુમલો હોવા છતાં વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું; વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈ કરાયું સમાધાન.
વડોદરા: સંસ્કારી નગરીમાં શૈક્ષણિક સંસ્થાઓ હવે રણમેદાન બની રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સરદાર વિનય મંદિર સ્કૂલમાં શનિવારે પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી લોહિયાળ હિંસાએ વાલીઓ અને શિક્ષકોની ચિંતામાં વધારો કર્યો છે.
📌ઘટનાની વિગત:
શનિવારે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને શાળાની બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન બેગ લેવા બાબતે અથવા ભીડમાં ધક્કો વાગી જવા જેવી સામાન્ય વાતમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે બંને વિદ્યાર્થીઓ પરસ્પર મારામારી પર ઉતરી આવ્યા હતા.
🔪તિક્ષ્ણ હથિયારથી હુમલો:
આ ઝઘડો જોઈને શાળાનો જ અન્ય એક વિદ્યાર્થી તેમને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. જોકે, ઝઘડો કરી રહેલા વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈને આ મધ્યસ્થી કરનાર વિદ્યાર્થી પર ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલાને કારણે વિદ્યાર્થી લોહીલુહાણ થઈ જતાં શાળા સંકુલમાં અફરાતફરી મચી ગઈ હતી. તત્કાલ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
🧐ફરિયાદ વિના પૂર્ણ થયો મામલો:
ઘટનાની જાણ થતાં જ બંને પક્ષના વાલીઓ શાળા પર દોડી આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે હેતુથી અથવા અન્ય કોઈ કારણસર, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું અને પરસ્પર સહમતિથી સમાધાન કરી લીધું હતું.
🫵શાંત ગણાતા વડોદરામાં વિદ્યાર્થીઓ નાની ઉંમરે હથિયારો લઈને ફરતા થાય તે સમાજ માટે લાલબત્તી સમાન છે.