- યાર્ડ રિમોડેલિંગ: વડોદરા સ્ટેશનની સંચાલન ક્ષમતા વધારવા રેલવેની મોટી કવાયત.
- નોન-ઇન્ટરલોકિંગ: 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ અપગ્રેડ કરવાનું મહત્વનું કામ.
- પ્લેટફોર્મ વિસ્તાર: પ્લેટફોર્મ 4 અને ૫ની લંબાઈ વધારીને 22 કોચની ટ્રેનો માટે સજ્જ કરાશે.
- અસ્થાયી અસર: કામગીરીના કારણે પ્લેટફોર્મ 5 અને 6 પર ટ્રેન સંચાલન હાલ
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનની ક્ષમતા વધારવા અને મુસાફરોને સુવિધાસભર મુસાફરીનો અનુભવ આપવા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. વિભાગના મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેએ સ્ટેશન યાર્ડની મુલાકાત લઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું અને નિર્ધારિત સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
🧐30 જૂને નોન-ઇન્ટરલોકિંગ:
રેલવે સ્ટેશનની સિગ્નલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવા માટે 30 જૂનના રોજ નોન-ઇન્ટરલોકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્વેની તમામ તૈયારીઓ રેલવે વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ અપગ્રેડેશન બાદ સ્ટેશનની ઓપરેશનલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
🚉પ્લેટફોર્મની લંબાઈમાં વધારો:
મુસાફરોની વધતી જતી ભીડ અને ટ્રેનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નંબર 4 અને 5ની લંબાઈ વધારવામાં આવી રહી છે.
- પ્લેટફોર્મ નંબર 4: હાલની 498 મીટર લંબાઈ વધારીને 592 મીટર કરવામાં આવશે.
- પ્લેટફોર્મ નંબર 5: હાલની 498 મીટર લંબાઈ વધારીને 568 મીટર કરવામાં આવશે. આ સુધારો પૂર્ણ થયા બાદ આ બંને પ્લેટફોર્મ પરથી 22 કોચ ધરાવતી લાંબી ટ્રેનોનું સંચાલન સરળતાથી શક્ય બનશે.
🗣️મુસાફરો માટે સૂચના:
આ કામગીરીના ભાગરૂપે ટર્નઆઉટ, સિગ્નલ અને ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરના સ્થળાંતરની કામગીરી ચાલુ હોવાથી, હાલ પ્લેટફોર્મ નંબર 5 અને 6 પરથી ટ્રેન સંચાલન અસ્થાયી રૂપે બંધ રાખવામાં આવ્યું છે. રેલવે તંત્રએ મુસાફરોને કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. વડોદરા રેલવે સ્ટેશનના આધુનિકીકરણના આ પ્રોજેક્ટથી લાંબા અંતરની મુસાફરી કરતા હજારો મુસાફરોને સીધો ફાયદો થશે.