જનતાનો આક્રોશ:અનેક રજૂઆતો છતાં સ્પીડ બ્રેકર કેમ ન બન્યા? રહીશોમાં તંત્ર સામે ભારે રોષ.
વડોદરા: વડોદરાના સમા વિસ્તારમાં આજે સવારે એક ખાનગી કંપનીની બસે ભયાનક અકસ્માત સર્જતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સમા વિસ્તારના પૂનમ નગર ચાર રસ્તા પાસે પસાર થઈ રહેલી ‘એપોલો’ (Apollo) લખેલી એક લક્ઝરી બસે અચાનક કાબૂ ગુમાવતા રોડની બાજુમાં આવેલા મંદિરના શેડ અને લોખંડના માળખા સાથે જોરદાર રીતે અથડાઈ હતી.
📌ઘટનાની વિગત અને ડ્રાઈવરનું નિવેદન:
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, બસનો એક તરફનો ભાગ મંદિરના ઉપરના શેડ અને સ્ટ્રક્ચર સાથે ટકરાતા આખું માળખું ધડાકાભેર નીચે ધરાશાયી થઈ ગયું હતું. અકસ્માત બાદ ડ્રાઈવરે કબૂલ્યું હતું કે તેને વાહન ચલાવતી વખતે જોકું આવી ગયું હતું, જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.
⚠️ચમત્કારિક બચાવ:
અકસ્માત સમયે એક મહિલા મંદિરના શેડ નીચે પૂજા કરી રહી હતી. આખું માળખું તેની બાજુમાં જ તૂટી પડ્યું હોવા છતાં, સદનસીબે તેને કોઈ જાનહાનિ થઈ નથી. આ મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે.
🧐તંત્રની બેદરકારી સામે રોષ:
આ અકસ્માતે વડોદરા કોર્પોરેશનની ઘોર ઉદાસીનતાને પણ ઉઘાડી પાડી છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં વાહનોની ગતિ પર લગામ લગાવવા માટે ઘણા સમયથી સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે. અનેક રજૂઆતો છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી, જેનું પરિણામ આજે આ અકસ્માત છે. જો તાત્કાલિક સ્પીડ બ્રેકર નહીં મુકાય તો આગામી સમયમાં લોકો રસ્તા પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે.
🫵શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? ક્યારે સમાના રહીશોની આ ન્યાયી માંગ પૂરી થશે?