Vadodara

વડોદરા પોલીસ એક્શન મોડમાં: પદમલામાં હિંસા કરનારા વધુ 5 આરોપીઓ ઝડપાયા, કુલ 29 પોલીસ સકંજામાં

Published

on

  • પદમલામાં મધરાતે હંગામો: બાઈક ઓવરટેક કરવાની નજીવી બાબતે બે યુવાનો વચ્ચેની તકરારે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ; બે ફળિયા સામસામે આવી ગયા.
  • રણમેદાન બન્યું ગામ: રાત્રિના 8 થી 12 વાગ્યા સુધી ચાલી પથ્થરમારો અને મારામારી; પેવર બ્લોક અને પથ્થરોથી એકબીજા પર હુમલો.
  • પોલીસનો સપાટો: કમિશનર નરસિમ્હા કોમારના આદેશથી છાણી પોલીસ એક્શનમાં; બંને પક્ષે કુલ 27 આરોપીઓ સામે ગુનો દાખલ.
  • ધરપકડનો સિલસિલો: સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે અત્યાર સુધીમાં 29 આરોપીઓ પોલીસ સકંજામાં; ફરાર શખ્સોની શોધખોળ તેજ.

વડોદરા: શહેરના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પદમલા ગામે જૂની અદાવત અને બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

📌ઘટનાની પૃષ્ઠભૂમિ:

ગયા અઠવાડિયે તા. 23/03/2026 ના રોજ પદમલા ગામના રાકેશ અને પૃથ્વી નામના બે યુવાનો વચ્ચે બાઈક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ વિવાદ શાંત પડવાને બદલે તા. 30/03 ના રોજ ફરી વકર્યો હતો. રાત્રિના સમયે બંને પક્ષો વચ્ચે મામલો એટલો બિચક્યો કે ગામમાં સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. મોડી રાત સુધી ચાલેલી આ મારામારીમાં આર.સી.સી. ના ટુકડા અને પેવર બ્લોકનો છૂટા હાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

🚨પોલીસની કડક કાર્યવાહી:

ઘટનાની જાણ થતા જ ઝોન-1 ના ડીસીપી ડો. જગદીશ ચાવડા અને એ-ડિવિઝન એસીપી ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ છાણી પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ બે અલગ-અલગ ફરિયાદો નોંધી કુલ 27 નામજોગ અને અન્ય અજાણ્યા આરોપીઓ સામે તપાસ શરૂ કરી હતી.

🧐CCTV થી મળ્યો પુરાવો:

પીઆઈ આર.એલ. પ્રજાપતિ અને તેમની ટીમે ગામના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી અને સ્થાનિક સાક્ષીઓની મદદથી હિંસામાં સામેલ તત્વોની ઓળખ કરી હતી. પ્રાથમિક તબક્કે એ 24 આરોપીઓને અટક કર્યા બાદ, પોલીસે વધુ ૫ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પિયુષ ચાવડા, કમલેશ ઉર્ફે કમો, મિતેશ પરમાર, વિક્રમ ગોહીલ અને હાર્દિક પઢીયારનો સમાવેશ થાય છે.

🫵નજીવી બાબતે કાયદો હાથમાં લેનારા તત્વો સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. અત્યારે પદમલા ગામમાં શાંતિનો માહોલ છે પરંતુ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

Trending

Exit mobile version