વડોદરા પી.સી.બી.ની કાર્યવાહી: દારૂનું વેચાણ કરતા મહિલા સહિત 2 બુટલેગરોની ધરપકડ.
પાણીગેટમાં એક્ટિવા અને દશરથ ગામમાં મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત.
કુલ ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે; અન્ય સંડોવાયેલ આરોપીઓની શોધખોળ તેજ.
વડોદરા શહેરમાં નશીલા પદાર્થો અને વિદેશી દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારના નિર્દેશ હેઠળ પી.સી.બી. (PCB) ની ટીમ દ્વારા સઘન દરોડા પાડવામાં આવ્યા છે. પી.આઈ. જે.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ ટીમે પાણીગેટ અને છાણી વિસ્તારમાં બે સફળ ઓપરેશન પાર પાડી બુટલેગરોની ધરપકડ કરી છે.
1. પાણીગેટ: એક્ટિવા પર દારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ
પી.સી.બી.ના અ.હે.કો. ભરતભાઈ કાંતિભાઈને મળેલી બાતમીના આધારે પાણીગેટ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન વિજેતાબેન મનોજભાઈ કહાર પોતાના એક્ટિવા (GJ06QF0055) માં દારૂનો જથ્થો લઈને પોતાના ઘરે પહોંચતા જ પોલીસ ટીમે તેને દબોચી લીધી હતી. તેની પાસેથી 58 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક્ટિવા અને દારૂ મળી કુલ ₹65,420 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અન્ય એક આરોપી સુનિલ ઉર્ફે નાથાભાઈ (રહે. અલિન્દ્રા) ને વોન્ટેડ જાહેર કરાયો છે.
2. દશરથ ગામ: મકાનમાંથી ૪૭૪ બોટલ દારૂનો જથ્થો જપ્ત
બીજા દરોડામાં, પી.સી.બી.ના અ.હે.કો. હિતેન્દ્રસિંહ અને મુકેશભાઈને મળેલી બાતમી મુજબ છાણીના દશરથ ગામની ઈન્દિરાનગરની નવદુર્ગા સોસાયટીના એક મકાનમાં કલ્પેશભાઈ ઉર્ફે કલ્લુ જશવંતભાઈ બારીયા વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતો હતો. પોલીસે રેડ પાડીને 474 બોટલ દારૂ, ખાલી બોટલો અને મોબાઈલ સહિત કુલ ₹87,302 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પંચમહાલના ઉચાપાનનો અજય નામનો શખ્સ વોન્ટેડ જાહેર થયો છે.
🚨પોલીસ કાર્યવાહી:
પી.સી.બી. દ્વારા પાણીગેટ અને છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરભરમાં પ્રોહિબિશનની આવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે પી.સી.બી. દ્વારા આગામી દિવસોમાં પણ દરોડા ચાલુ રાખવામાં આવશે.