જિલ્લાના સાવલી નગરમાં તાંત્રિક વિધિના નામે વન્ય જીવોનું વેચાણ કરવા ફરી રહેલી ટોળકીનો પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ પર્દાફાશ કર્યો છે. સંસ્થાએ નકલી ગ્રાહક બનીને 10 લાખમાં જંગલ ઉદરનો સોદો કર્યો હતો. સોદા બાદ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 5 ઇસમોને દબોચી લીધા હતા.
રાજ્યમાં વન્ય પ્રજાતિઓની દુર્લભ જાતિઓ પર તાંત્રિક વિધિ કરીને પૈસા પડાવવા તેમજ આર્થિક લાભ લેવા માટે વિવિધ ટોળકીઓ રાજ્યમાં કાર્યરત છે. આ ટોળકી આંધળી ચાકરણ , કાટા શેરીયુ, સહિતના વિવિધ પ્રાણીઓ તાંત્રિક વિધિ માટે કામમાં આવે છે તેવી લાલચુ લોકોને માહિતી આપી નાણાં પડાવતા હોય છે. જોકે, આવી દુર્લભ જાતિને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ આવી ટોળકીઓ ઉપર બાજ નજર રાખી રહી છે.
આજે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સભ્ય અનિલ ભાટિયાને માહિતી મળી હતી કે તાલુકામાં કેટલાક ઈસમો આવી દુર્લભ જાતિના જીવોની ખરીદ – વેચાણના ધંધામાં સંકળાયેલી છે. અને એક ટોળકી કાટા શેરીયુ વેચવા માટે ફરી રહી છે. જેથી તેઓએ નકલી ગ્રાહક બનીને ટોળકીનો સંપર્ક કર્યો હતો. અને ટોળકીનો પર્દાફાશ કરવા માટે સાવલી પોલીસ અને વન.વિભાગની મદદ લીધી હતી.
સંસ્થાના કાર્યકર અનિલ ભાટીયાએ ટોળકીનો સંપર્ક કરી બે નંગ જંગલી ઉદર ખરીદવા માટે તૈયારી બતાવી હતી. અને રૂપિયા 10 લાખમાં સોદો કર્યો હતો. સોદો નક્કી થયા બાદ ટોળકી આજે કાંટા સેરિયું ( જંગલી ઉંદર) ના બે નંગ લઈને સાવલી ખાતે ડીલેવરી કરવા માટે આવી પહોંચી હતી. ટોળકીના 5 સાગરીતો આવતા જ વોચમા ગોઠવાયેલ પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થા, પોલીસ અને વન વિભાગે દબોચી લીધા હતા.
ઝડપાયેલ આરોપીઓમાં સોમા બાબુભાઈ ચૌહાણ (રહેં અંધારવાડી તા સાવલી), અમૃત શંકરભાઈ સોનારા ( રહે અમદાવાદ ), દિલીપસિંહ રામસીંગ બિઓલા (રહે અમદાવાદ ) સંજય કુમાર કરખાસિંહ ગોહિલ (રહે બેચરી ઉમરેઠ ) અને વિજય દશરથભાઈ પરમાર ( રહે અંધાર વાડી તા સાવલી ) નો સમાવેશ થાય. છે.
આ બનાવ અંગે સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટોળકી પાસેથી બે મોબાઇલ ફોન, બે નંગ જંગલી ઉદર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય ચોકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. સાવલીમાથી વન્ય જીવ જંગલ ઉદર સાથે ટોળકી ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.