- નશામાં ધૂત યુવકનો કાળો કેર: ભાયલીના નાયરા પેટ્રોલ પંપ પાસે નશાખોરે મચાવ્યો આતંક; પથ્થરમારો કરી લોકોમાં ફેલાવ્યો ભય.
- ‘મેલી વિદ્યા’ કે કરતબ? યુવકને અર્ધબેહોશ કરી ખિસ્સામાંથી 1300 રૂપિયા સેરવી લેતા ચકચાર; સ્થાનિકોમાં ગભરાટ.
- વાયરલ વીડિયો: જાહેર રોડ પર વાહનો સામે સૂઈ જઈને કર્યું નાટક; નશાખોરના અજીબ તાઈફા સીસીટીવી અને મોબાઈલમાં કેદ.
- પોલીસ સુરક્ષા પર સવાલ: ભરચક વિસ્તારમાં જાહેર રોડ પર નશાખોરનો ખુલ્લેઆમ દાદાગીરી; ભાયલીના વેપારીઓમાં રોષ.
વડોદરા: વડોદરાના ભાયલી વિસ્તારમાં નશાખોરોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલા રાજપથ કોમ્પ્લેક્સ નજીકના ચાના ગલ્લે એક નશામાં ધૂત યુવકે આતંક મચાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નશાખોરે માત્ર પથ્થરમારો જ નહીં, પરંતુ ‘મેલી વિદ્યા’ના નામે યુવકને બેહોશ કરી લૂંટ ચલાવ્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
❓શું બની ઘટના?
મળતી માહિતી મુજબ, ભાયલી વિસ્તારમાં લોકો ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે લથડિયા ખાતો એક ચરસી યુવક ત્યાં આવી પહોંચ્યો હતો. આ નશાખોરે ત્યાં ઉભેલા એક યુવકનો હાથ પકડતા જ તે અચાનક અર્ધબેહોશ થઈ ગયો હતો. તકનો લાભ ઉઠાવી નશાખોરે યુવકના ખિસ્સામાંથી 1300 રૂપિયા તફડાવી લીધા હતા અને વધુ પૈસાની માંગણી કરી હતી.
⚠️જાહેરમાં તાઈફા અને પથ્થરમારો:
માત્ર લૂંટ જ નહીં, પરંતુ આ યુવકે ત્યારબાદ જાહેર રોડ પર પથ્થરમારો કરીને અફરાતફરી મચાવી હતી. એટલું જ નહીં, તેણે હાઈવે પર પસાર થતા વાહનોની સામે સૂઈ જઈને જોખમી નાટક કર્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાયલીના લોકોમાં આક્રોશ ફેલાયો છે.
🫵ભાયલી જેવા પોશ ગણાતા વિસ્તારમાં દિવસે-દહાડે નશાખોરનો આ આતંક તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. શું આ નશાખોર કોઈ મોટી ગેંગનો ભાગ છે કે માનસિક રીતે અસ્થિર? પોલીસ આ મામલે સઘન તપાસ કરે તે જરૂરી છે.