સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તા પર કચરાના ગંજ. ધુળેટી બાદની ગંદકીથી રહીશો પરેશાન. શું તંત્ર આળસ ખંખેરીને જાગશે?
- કાગળ પર ‘સ્માર્ટ’, જમીન પર ‘ગંદકી’: લહેરીપુરા વિસ્તારમાં કચરાનું સામ્રાજ્ય.
- ધુળેટીની મિજબાની બાદ રોડ પર એઠવાડ અને પ્લાસ્ટિકનો ખડકલો.
- સ્થાનિકોનો રોષ: “ચૂંટણીમાં વાયદા કરનારા નેતાઓ હવે ક્યાં?”
વડોદરાને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની ગુલબાંગો વચ્ચે શહેરના હાર્દ સમાન વિસ્તારોની હાલત બદતર બની રહી છે. સંસ્કારી નગરીના લહેરીપુરા ન્યૂ રોડ પર આજે સ્વચ્છતાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તા પર ફેલાયેલી ગંદકી અને અસહ્ય દુર્ગંધે તંત્રની પોલ ખોલી નાખી છે.
દ્રશ્યોમાં દેખાઈ રહેલો આ કચરો કોઈ ડમ્પિંગ સાઈટનો નથી, પરંતુ વડોદરાના ધમધમતા લહેરીપુરા ન્યૂ રોડનો છે. તાજેતરમાં ધુળેટી પર્વની ઉજવણી બાદ અહીં સ્થિતિ વધુ વણસી છે. રોડ પર ઠેર-ઠેર યુઝ-એન્ડ-થ્રોની પ્લેટો, પ્લાસ્ટિકના ગ્લાસ અને ખાદ્ય સામગ્રીનો એઠવાડ જોવા મળી રહ્યો છે. અગાઉ અહીં કચરાપેટીઓની વ્યવસ્થા હતી, પરંતુ હવે ડસ્ટબિન ગાયબ થતા લોકો જાહેરમાં કચરો ફેંકવા મજબૂર બન્યા છે.
સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ચોખંડી, પ્રતાપનગર અને વાડી જેવા વિસ્તારોમાંથી પણ લોકો અહીં કચરો નાખી જાય છે. રહીશોનું કહેવું છે કે, “ચૂંટણી વખતે નેતાઓ સફાઈના મોટા વાયદા કરે છે, પણ જીત્યા પછી મોઢું બતાવતા નથી. જ્યારે કોઈ મોટા નેતા કે અધિકારી આવવાના હોય ત્યારે જ રસ્તા ચમકાવવામાં આવે છે, બાકીના દિવસોમાં અમારે આ નરક જેવી સ્થિતિમાં રહેવું પડે છે.”
વેપારીઓ દ્વારા ફેલાવવામાં આવતો કચરો અને તંત્રની ઉદાસીનતાને કારણે આખો વિસ્તાર બીમારીનું ઘર બની રહ્યો છે. રાહદારીઓ માટે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
🧐સ્થાનિક નાગરિકોની હવે એક જ માંગ છે:
- રોડ પર પૂરતી કચરાપેટીઓ મૂકવામાં આવે.
- દૈનિક ધોરણે કચરો ઉઠાવવાની કડક વ્યવસ્થા થાય.
- જાહેરમાં ગંદકી કરનારા તત્વો અને વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.
🫵સ્માર્ટ સિટી માત્ર કાગળ પર નહીં, પણ રસ્તા પર પણ દેખાવી જોઈએ. જો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વહેલી તકે નહીં જાગે, તો આ ગંદકી રોગચાળાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.