વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: નડીયાદની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોની મત્તા સાથે આરોપીની ધરપકડ.
તાંદલજામાંથી ચોરીના દાગીના વેચવાતા : નિહાલ બારોટ એક્સેસ મોપેડ અને ₹1 લાખ રોકડા સાથે દબોચાયો.
આરોપી સામે અગાઉ ઘરફોડ ચોરી અને લૂંટ સહિતના 19 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ગુનેગારો પર નજર રાખવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા અપાયેલી સૂચનાના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચે તાંદલજા વિસ્તારમાંથી એક રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી નડીયાદમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
📌ઘટનાની વિગત:
ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, તાંદલજાના અલમદિના રેસિડેન્સીમાં રહેતા રીઢા તસ્કર નિહાલ બારોટે તાજેતરમાં નડીયાદ ખાતે ચોરી કરી છે અને તે ચોરીના દાગીના વેચવા માટે પોતાની બ્લેક એક્સેસ મોપેડ પર ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને નિહાલ રાજેન્દ્રભાઈ બારોટને ઝડપી પાડ્યો હતો.
🧐ચોરીનો પર્દાફાશ:
પોલીસે નિહાલની તલાશી લેતા તેની પાસેથી મોટોરોલા અને સેમસંગના મોબાઈલ ફોન, મુથૂટ ફાયનાન્સની સ્લિપ અને ₹1,00,000ની રોકડ રકમ મળી આવી હતી. મોપેડની ડેકી તપાસતા તેમાંથી ચાંદીની પાયલ, લકી, માળા અને ચાંદીનો ચોરસો મળી આવ્યો હતો. પૂછપરછમાં નિહાલએ કબૂલાત કરી હતી કે, ગત તા. 30/04/2026ના રોજ તેણે નડીયાદના વૈશાલી રોડ પર આવેલા એક બંગલાનું તાળું તોડી તિજોરીમાંથી ₹4,94,650ની મત્તાની ચોરી કરી હતી.
👮કુખ્યાત ગુનાહિત ઇતિહાસ:
ઝડપાયેલો આરોપી નિહાલ બારોટ અત્યંત રીઢો ગુનેગાર છે. તેની સામે અત્યાર સુધીમાં વડોદરાના વિવિધ પોલીસ મથકોમાં 19 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે:
જે.પી. રોડ: ચોરી અને ઘરફોડ ચોરીના 11 ગુના.
ગોરવા: ઘરફોડ ચોરીના 3 ગુના.
ગોત્રી અને વડુ: મિલકત સંબંધી ગુના.
વડોદરા તાલુકા: 2 ગુના.
🚨કબજે કરેલ મુદ્દામાલ:
પોલીસે આરોપી પાસેથી ₹1.23 લાખનો ચાંદીનો ચોરસો, અન્ય ચાંદીના દાગીના, ₹1 લાખ રોકડા, એક્સેસ મોપેડ અને મોબાઈલ ફોન મળી કુલ લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને વધુ તપાસ માટે નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.