વડોદરા: શહેરમાં નશાકારક પદાર્થો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના વેચાણ વિરુદ્ધ પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાણીગેટ વિસ્તારમાં દરોડો પાડીને લાખોની કિંમતની વિદેશી ઈ-સિગારેટ (વેપ) સાથે એક યુવકની ધરપકડ કરી છે.
🧐સોશિયલ મીડિયા દ્વારા ચાલતું હતું નેટવર્ક
ઝડપાયેલ આરોપી ફૈઝલ સલીમભાઈ શેખ (ઉં.વ. 19), રહે. યાકુતપુરા, પોતાની બલેનો કારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો. એટલું જ નહીં, તે ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા પણ આ ગેરકાયદેસર વેપારનું નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.
📍મુબઈથી મંગાવાતો હતો જથ્થો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તે મુંબઈના અમનખાન નામના શખ્સ પાસેથી કુરિયર મારફતે આ મેડ ઇન ચાઈના ઈ-સિગારેટ મંગાવતો હતો. પોલીસે અકોટા સ્થિત કુરિયર ઓફિસ પર તપાસ કરતા ત્યાંથી પણ વધુ જથ્થો મળી આવ્યો હતો.
📝કુલ મુદ્દામાલની વિગત:
પોલીસે આ ઓપરેશન દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
ઈ-સિગારેટ (79 નંગ): કિંમત ₹1,80,500/- (અલગ-અલગ ફ્લેવર અને કંપનીની)
મારુતિ બલેનો કાર: કિંમત ₹5,00,000/-
આઈ-ફોન: કિંમત ₹30,000/-
કુલ કિંમત: ₹7,10,500/-
🚨હાલ પોલીસે ફૈઝલ શેખની ધરપકડ કરી છે અને મુંબઈના સપ્લાયર અમનખાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ માટે સીટી પોલીસ સ્ટેશનને સોંપેલ છે.