આરોપી સામે અગાઉ ઘરફોડ ચોરી, પ્રોહિબિશન અને ગુજસીટોક સહિતના 17 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
વડોદરા શહેરમાં નાસતા-ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો એક્શન મોડમાં છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે એક રીઢા તસ્કર અને ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે.
🧐ઘટનાની વિગત:
ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે, તાજેતરમાં જ ગુજસીટોકના ગુનામાં જામીન મુક્ત થયેલ અને ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી બલવીરસિંગ ઉર્ફે બલ્લી લોહરસિંગ સિક્લીગર (રહે. ડભોઈ રોડ) અકોટા વિસ્તારમાં હોવાની શક્યતા છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
🚨ચોરીનો પર્દાફાશ:
સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી બલ્લીએ ન્યુ વી.આઈ.પી. રોડ પર આવેલી દર્શન પાર્ક સોસાયટીના એક બંધ મકાનમાં તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ ₹4,11,500 ની ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ તેણે વાડી વિસ્તારમાં ફર્નિચરનો વેપાર કરતા એક ઈસમને વેચ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ મુદ્દામાલ સાથે વેપારીને પકડી પાડ્યો હતો, જેના આધારે આ ચોરીમાં બલ્લીનું નામ ખુલ્યું હતું અને તે ધરપકડ ટાળવા નાસતો-ફરતો હતો.
🗣️ગુનાહિત ઈતિહાસ:
ઝડપાયેલો આરોપી બલવીરસિંગ ઉર્ફે બલ્લી અત્યંત રીઢો ગુનેગાર છે. તેની સામે અત્યાર સુધીમાં 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે:
બાપોદ પોલીસ સ્ટેશન: ગુજસીટોક (GCTOC) અને ઘરફોડ ચોરીના ગુના.
ગોત્રી, ગોરવા, મકરપુરા, વાડી અને છાણી: મકાન તોડવાના અને ઘરફોડ ચોરીના અનેક ગુના.
આણંદ ટાઉન: ચોરીના 3 ગુના.
પાણીગેટ: પ્રોહિબિશનના કેસો.
👮ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની તપાસ માટે બાપોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી શહેરના મિલકત સંબંધી ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવી આશા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.