વડોદરામાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા હવે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. નેશનલ હાઇવે કે અકસ્માત નહીં, પણ આ વખતે મુદ્દો છે ‘મતદાનનો અધિકાર’. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ નં. 7 ના કથિત દુરુપયોગ મામલે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
❓શું છે સમગ્ર વિવાદ?
હાલમાં સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે. નિયમ મુજબ, ફોર્મ નં. 7 નો ઉપયોગ કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અથવા કોઈ નામ સામે વાંધો ઉઠાવવા માટે થાય છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, બીએલઓ (BLO) દ્વારા કરવામાં આવતી આ કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે અને ખોટી રીતે લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનું ‘ફ્રોડ’ ચાલી રહ્યું છે.
🏤કલેક્ટર કચેરીએ હલ્લાબોલ:
આજે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ, મહિલા કોર્પોરેટર અમી રાવત અને જશપાલ પઢીયારની આગેવાનીમાં કલેક્ટર કચેરી સંકુલ સૂત્રોચ્ચારથી ગજવી મૂકવામાં આવ્યું હતું. કોંગ્રેસી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના ઈશારે ચોક્કસ મતદારોના નામ કાઢી નાખવા માટે ફોર્મ નં. 7 નો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.
🧐કોંગ્રેસની માગણી:
કોંગ્રેસે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે, મતદાર યાદીમાંથી નામ કમી કરવાની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને કોઈપણ વારસદાર કે પુરાવા વગર નામ કમી કરનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.