Vadodara

વડોદરા: HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવવાના કૌભાંડમાં મોટો ખુલાસો; મુખ્ય સપ્લાયર અશોક ચૌધરી રાજસ્થાનથી અરેસ્ટ

Published

on

  • અર્થતંત્રને નબળું પાડવાનું ષડયંત્ર નાકામ: ઇન્ચાર્જ પોલીસ કમિશનર નિલેશ જાજડીયા સાહેબની સૂચનાથી એસ.ઓ.જી. એ આદરી સફળ તપાસ.
  • HDFC બેંકના મશીને પકડી પાડી નકલી નોટ: વાઘોડીયા રોડ શાખાના કેશ ડિપોઝિટ મશીનમાં જમા થયેલી ₹500 ના દરની 20 નકલી નોટોથી ખૂલ્યો હતો ભેદ.
  • અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓ અરેસ્ટ: અગાઉ વલસાડના ખાતાધારક સહિત 6 સાગરીતો પકડાયા બાદ હવે મુખ્ય સપ્લાયર પોલીસ સકંજામાં.
  • મોઢે ગમછો બાંધી બુલેટ પર આપવા આવતો હતો નોટો: રાજસ્થાનના કેકડી ગામે 2 દિવસ ગુપ્ત વોચ ગોઠવી એસ.ઓ.જી. એ આરોપીને વહેલી સવારે દબોચ્યો.

દેશના અર્થતંત્રને નબળું કરવાના ઈરાદે અને આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડવા માટે બનાવટી ચલણી નોટોના નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો વિરૂદ્ધ વડોદરા શહેરમાં કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એ.ટી.એસ. ચાર્ટર હેઠળ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માટે માનનીય ઇન્ચાર્જ પોલીસ કમિશનર નિલેશ જાજડીયા સાહેબ દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે વડોદરા એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને ડી.સી.બી. પોલીસની ટીમને એક આંતરરાજ્ય નકલી નોટ સપ્લાય કરવાના રેકેટના મૂળ સુધી પહોંચવામાં મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનના સપ્લાયર અશોક રામરતન જાટ (ચૌધરી) ને તેના વતનમાંથી દબોચી લીધો છે.

🏦બેંકના કેશ ડિપોઝિટ મશીન (CDM) માંથી પકડાઈ હતી નકલી નોટો:

ઘટનાની વિગત એવી છે કે, ગત તા.૨૯/૦૪/૨૦૨૬ ના રોજ વાઘોડીયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે આવેલા શોપ્પર્સ સ્ક્વેર ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત એચ.ડી.એફ.સી. બેંકની શાખામાં નાણાકીય લેવડ-દેવડ માટે મુકેલા કેશ ડિપોઝિટ મશીનમાં એક સેવિંગ્સ એકાઉન્ટ (નંબર-૫૦૧૦૦૫૦૧૦૯૬૦૨૭) માં રૂપિયા 500 ના દરની 20 ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઈ હતી. મશીન દ્વારા આ નોટો નકલી હોવાનું ડિટેક્ટ કરાતા બેંકના કેશિયર સુપરવાઈઝર દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૭૮, ૧૭૯, ૧૮૦, ૬૧ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ ખાતું વલસાડ એચ.ડી.એફ.સી. બેંકની ડુંગરી શાખાનું હોવાનું અને તેના ખાતાધારકનું નામ સાગર રમેશભાઈ મારુ હોવાનું સામે આવ્યું હતું.

તપાસ દરમિયાન ખૂલ્યું ‘બુલેટવાળા’ અશોક ચૌધરીનું નામ:

તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. જીતીયાના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરીને અત્યાર સુધીમાં ખાતાધારક સાગર મારુ સહિત કુલ-6 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓ (1) સાગર રમેશભાઇ મારૂ, (2) નિસર્ગ દિનેશભાઇ પટેલ, (3) ધનુષ પ્રકાશભાઇ હલ્લી, (4) ભાવેશ નિલકમલ શર્મા, (5) તીર્થ વિનોદભાઇ લીખીયા અને (6) અક્ષય સાંવરલાલ ગોયેલ પાસેથી કુલ 105 નંગ નકલી નોટો જપ્ત કરાઈ હતી. તેઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓને આ નકલી નોટો સપ્લાય કરનાર વ્યક્તિ મોઢે ગમછો બાંધીને બુલેટ મોટરસાયકલ પર ડિલિવરી આપવા આવતો હતો અને તેનું નામ અશોક ચૌધરી છે, જે રાજસ્થાનના કેકડી ગામનો વતની છે.

🚨રાજસ્થાનમાં એસ.ઓ.જી. નું ગુપ્ત ઓપરેશન:

મુખ્ય સપ્લાયરનું નામ ખુલતા જ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીતની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની એક ખાસ ટીમને તાત્કાલિક રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. એસ.ઓ.જી. ની ટીમે કેકડી ગામમાં રોકાણ કરી, સ્થાનિક લોકોને શંકા ન જાય તે માટે પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરીને સતત ૨ દિવસ સુધી ગુપ્ત વોચ ગોઠવી હતી. આખરે વહેલી સવારે પોલીસે આરોપી અશોક રામરતન જાટ (ચૌધરી) ને તેના રહેણાંક મકાનમાંથી આબાદ ઝડપી પાડ્યો હતો.

👉પકડાયેલ મુખ્ય આરોપીનું નામ અને સરનામું:

  • અશોક રામરતન જાટ (ચૌધરી) (રહે. કેકડી ગામ, જુનીયા ગેટ ચોક, દાંડ કા રાસ્તા, જયપુર રોડ, તા. કેકડી, જી. અજમેર, રાજસ્થાન).

​આ નકલી નોટો ક્યાં છાપવામાં આવતી હતી, આ નેટવર્કના તાર કયા કયા રાજ્યો સાથે જોડાયેલા છે અને દેશભરમાં અન્ય કઈ કઈ જગ્યાએ નકલી નોટો ઘુસાડવામાં આવી છે, તે તમામ વિગતો મેળવી ગુનાના મૂળ સુધી પહોંચવા માટે એસ.ઓ.જી. દ્વારા આરોપીની વધુ ઘનિષ્ઠ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે

Trending

Exit mobile version