- કડક ચેતવણી: કાટમાળ હટાવવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ પૂરની સ્થિતિ માટે જવાબદાર રહેશે.
- ટેકનિકલ ગેરરીતિ: STP પ્લાન્ટમાં પ્રદૂષણના આંકડા ઘટાડવા માટે વૈજ્ઞાનિક ધોરણો સાથે ચેડાં.
- ઇકો-પ્લાન: નદીના કિનારે બાંધકામ પર પ્રતિબંધ અને ઇકોલોજિકલ ઝોન બનાવવા પર ભાર.
- ભૂગર્ભ જળની સ્થિતિ: નવા બોરવેલ પર પ્રતિબંધ અને તળાવોના પુનર્જીવન માટે આદેશ.
વડોદરા: વિશ્વામિત્રી નદીની કાયાપલટ કરવા અને પૂર જેવી સ્થિતિને રોકવા માટે રચાયેલી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની વિશ્વામિત્રી સમિતિએ પાંચમો અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર માટે લાલબત્તી સમાન છે. સમિતિએ નદીના સંરક્ષણ માટે માત્ર વડોદરા જ નહીં પણ સમગ્ર ઢાઢર અને વિશ્વામિત્રી તટ વિસ્તાર માટે ‘ઇકો-રીજનલ પ્લાન’ બનાવવાની જોરદાર ભલામણ કરી છે.
🧐STP પ્લાન્ટમાં ગોબાચારી:
અહેવાલની સૌથી ચોંકાવનારી બાબત છાણી, વેમાલી, ભાયલી સહિતના STP પ્લાન્ટમાં થતી ગંભીર તકનિકી ખામીઓ છે. સમિતિએ નોંધ્યું છે કે પ્રદૂષણ માપવા માટેની BOD ટેસ્ટિંગ પ્રક્રિયામાં નમૂના ભરતી વખતે વૈજ્ઞાનિક ધોરણોનું પાલન થતું નથી. બોટલમાં હવા ખાલી રાખવાને કારણે પ્રદૂષણનું પ્રમાણ ઓછું દર્શાવવામાં આવતું હોવાનું પકડાયું છે. આ ઉપરાંત રેકોર્ડ બુકમાં ડેટા કોપી-પેસ્ટ કરાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
🗣️પૂરનું જોખમ અને વહીવટી નિષ્ક્રિયતા:
સમિતિએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી ચોમાસામાં પૂરની પરિસ્થિતિ સર્જાશે તો તેના માટે જવાબદાર અધિકારીઓ રહેશે. નદીમાંથી કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (C&D) કચરો હટાવવા માટે છેલ્લા નવ મહિનાથી કોઈ નક્કર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો નથી. કચરાના સ્થળો કે જથ્થાનું મૂલ્યાંકન કરવામાં પણ મનપા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.
👉પર્યાવરણ અને ભૂગર્ભ જળ માટે મહત્વના સૂચનો:
અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે:👇
- નદીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાયમી બાંધકામ પર પ્રતિબંધ મૂકવો.
- કોંક્રિટની દીવાલોને બદલે કુદરતી પદ્ધતિઓ અને વૃક્ષારોપણ દ્વારા ધોવાણ અટકાવવું.
- શહેરમાં નવા બોરવેલ પર પ્રતિબંધ અને જૂના બોરવેલ તબક્કાવાર બંધ કરવા.
- આજવા અને પ્રતાપપુરા ડેમના પાણીના વેગને નિયંત્રિત કરવા ઇકોલોજિકલ ચેકડેમ અને પોન્ડ્સ બનાવવા.