- હલીમાએ ફરિયાદીના ખીસ્સા ફંફોસ્યા હતા. તેમાંથી મળેલા પાકીટમાં રૂ. 11 હજાર અને ક્રેડીટ કાર્ડ લઇને જતો રહ્યો હતો.
વડોદરા ના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં માથાભારે તત્વોનો વધુ એક વખત ત્રાસ સામે આવ્યો છે. તત્વોએ યુવકને રોકીને તેને જુની મેટર પૂરી કરવા કહ્યું હતું. અને સાથે જ તેની પાસેના પૈસાની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં યુવકને બાનમાં લેવા માટે રિવોલ્વર જેવું હથિયાર ફિલ્મી સ્ટાઇલમાં કમરમાંથી કાઢીને ધમકી આપતા કહ્યું કે, મારી સાથે સમાધાન કરી લે, નહીં તો આજે તને પુરો કરી દઇશ. આ રીવોલ્વર તારી સગી નહીં થાય. આખરે આ મામલે બે સામે ફરિયાદ નોંધાઇ છે. આરોપીઓ પૈકી એક માથાભારે હુસૈન સુન્નીનો ભાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
કારેલીબાગ પોલીસ મથકમાં જાફર મોહંમદ સીદ્દીક દિવાન (રહે. ચમન ટેકરા, હાથીખાના, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે માતા સાથે રહે છે. અને એસી રીપેરીંગ તથા ફીટીંગનું કામ કરે છે. 28, ડિસે.ના રોજ સવારે ફોન આવતા તે ગોત્રીમાં કામ અર્થે ગયો હતો. બાદમાં રાત્રે પરત આવતા 8 વાગ્યે હાથીખાના ગેટ નં – 01 ની સામે આવેલી ટ્રેડીંગની દુકાન આગળ આવતા અકબર સુન્નીએ હાથ વડે ઉભા રહેવાનો ઇશારો કરતા તે ઉભો રહ્યો હતો. તે અને મોહંમદસલીમ ઉર્ફે બલીમા સલીમખાન પઠાણ (રહે. મોતીનગર, મન્સુરી કબ્રસ્તાન, વડોદરા) બંને ફરિયાદી પાસે આવ્યા હતા.
બાદમાં અકબર સુન્નીએ જણાવ્યું કે, હલીમા સાથે અગાઉની રૂપિયા બાબતની મેટર પતાવી દે. નહીં તો તને જાનથી મારી નાંખીશ. જે બાદ હલીમાએ પોતાના કમરથી રીવોલ્વર જેવું હથિયાર કાઢ્યું હતું. અને તે તાકીને ધમકી આપી કે, મારી સાથે સમાધાન કરી લે, નહીં તો આજે તને પુરો કરી દઇશ. આ રીવોલ્વર તારી સગી નહીં થાય. હલીમાએ ત્રણ-ચાર મહિના પગેલા કાસમઆલા કબ્રસ્તાન પાસે ફરિયાદીને ઉભો રાખીને રૂ 1 લાખ માંગ્યા હતા. જેથી તેણે તે સમયે જવાબ આપ્યો હતો કે, હું તને શા માટે 1 લાખ આપું. હાલમાં મારી પાસે પૈસા નથી. બાદમાં હલીમાએ ફરિયાદીના ખીસ્સા ફંફોસ્યા હતા. તેમાંથી મળેલા પાકીટમાં રૂ. 11 હજાર અને ક્રેડીટ કાર્ડ લઇને જતો રહ્યો હતો. બાદમાં હલીમાએ કાર્ડમાંથી રૂ. 85 હજારની ખરીદી કરી હતી. જેના મેસેજ આવતા ફરિયાદીએ કાર્ડ બંધ કરાવી દીધું હતું.
જેની અદાવત રાખીને બંનેએ તાજેતરમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતમાં બળજબરીથી રૂ. 3 હજાર કઢાવીને બંને જતા રહ્યા હતા. આખરે ફરિયાદીએ અકબર કાદરમીયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન, બાળ રિમાન્ડ હોમની પાછળ, હાથીખાના) અને મોહંમદ સલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ (રહે. મોતીનગર, મન્સુરી કબ્રસ્તાન, વડોદરા) સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ કારેલીબાગ પોલીસ મથકમાં માથાભારે બાબર પઠાણ દ્વારા હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. છતાં પણ માથાભારેનો ત્રાસ જારી છે. ત્યાર બાદ પણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ચુસ્ત બનાવવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે તેમ લાગી રહ્યું છે.