રાજકીય જંગ:વોર્ડ 16 માં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની લડાઈ હવે ‘સાંસદ ડો. હેમાંગ જોષી વિરુદ્ધ ચંદ્રકાંત શ્રીવાસ્તવ’ એવી વ્યક્તિગત લડાઈ બની ગઈ છે.
સાંસદ પર પ્રહાર:કોંગ્રેસના વિશાલ શ્રીવાસ્તવે સાંસદ પર આક્ષેપ કર્યો છે કે તેઓ વડોદરાના વિકાસ કરતા ‘ક્રેડાઈ’ (બિલ્ડર લોબી) ના હિતોને વધુ મહત્વ આપે છે.
અહમની ચૂંટણી:રાજીવરંજન ત્રિપાઠી સાંસદના ખાસ હોવાથી, આ ચૂંટણી સાંસદના અહમ અને પ્રતિષ્ઠાનો વિષય બની છે.
ભાજપનો જોખમી પ્રયોગ:પક્ષે જૂના દિગ્ગજોને બાજુએ મૂકીને નવા ચહેરા અને પક્ષપલટું ઉમેદવારને ટિકિટ આપતા આંતરિક અસંતોષ પણ દેખાઈ રહ્યો છે
વડોદરા શહેરમાં મહાનગર પાલિકામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા અને સોશ્યલ મીડિયા પર યુદ્ધ શરૂ થયું છે. જેમાં ખાસ કરીને વોર્ડ 16માં ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં સાંસદના કોંગ્રેસ ના ઉમેદવાર પરના વ્યક્તિગત આક્ષેપો હવે સાંસદ પર પણ વ્યક્તિગત રીતે સામે આવી રહ્યા છે. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવના પુત્ર વિશાલ શ્રીવાસ્તવ દ્વારા સાંસદ ફક્ત ક્રેડાઈના મલાઈદાર વહીવટદારોના હોવાનું ફેસબુક સ્ટેટ્સ મૂકીને વિવાદનો વધુ મધપૂડો છેડાયો છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 16 માં ભાજપના ઉમેદવારો પૈકી રાજીવરંજન ત્રિપાઠી સાંસદના પસંદગીના ઉમેદવાર હોવાને કારણે આ ચૂંટણી સાંસદ માટે પણ વ્યક્તિગત અહમની ચૂંટણી બની ગઈ છે. વોર્ડ 16માં ભાજપની ક્યારેય સમગ્ર પેનલ આવી નથી અને આ વખતે શહેર ભાજપ દ્વારા એક દાયકાથી મહેનત કરનારા દિગ્ગજોને બાકાત રાખીને 2 નવા ચહેરા અને એક કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલા તેમજ 21 વર્ષ જુના ભાજપના નગરસેવકનો સમાવેશ કરી એક પ્રયોગ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના ઉમેદવાર તેમજ પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈની સામે રાજીવરંજન ત્રિપાઠીની સીધી જંગ છે ત્યારે વોર્ડમાં પાણી માટે થતા કથિત રાજકારણ અંગે સાંસદ દ્વારા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ પર કરવામાં આવેલા આક્ષેપો બાદ હવે સાંસદને પણ વ્યક્તિગત આક્ષેપો સહન કરવાનો વારો આવ્યો છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ હવે સોશ્યલ મીડિયા પર એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરુ થયો છે જેમાં સાંસદ વડોદરા શહેર કે જિલ્લાના નહીં પણ ક્રેડાઈની મરાઈદાર વહીવટદારોના હોવાનો ખુદ ચંદ્રકાંત ભથ્થુના પુત્ર વિશાલ શ્રીવાસ્તવે સોશ્યલ મીડિયા પર લખતા સીધો પ્રહાર સાંસદ ડો. હેમાંગ જોષી પર કરવામાં આવ્યો છે.
સૌ કોઈ જાણે છે કે વડોદરાના સાંસદ બનેલા ડો. હેમાંગ જોષી મૂળ વડોદરાના નથી તેઓનું મૂળ વતન પોરબંદર છે.વડોદરામાં અભ્યાસ અર્થે આવીને વડોદરામાં સ્થાયી થયા છે. અને સાંસદ બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ડો. હેમાંગ જોષી ક્રેડાઈની છત્રછાયામાં વધુ હોવાના આક્ષેપો જાહેરમાં થયા છે. વિશ્વામિત્રી બચાવો સમિતિના શૈલેષ અમીન દ્વારા પણ લખવામાં આવેલા એક પત્રમાં બિલ્ડર એસોસિએશન ક્રેડાઈની છત્રછાયા માંથી બહાર આવવાની સલાહ આપવામાં આવી હતી. જ્યારે હવે વોર્ડ 16ની લડાઈ સીધે સીધી સાંસદ વિરુદ્ધ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ થઈ ગઈ છે.