Vadodara

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Published

on

  • PCB ની મોટી કાર્યવાહી: 16.37 લાખના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગર ‘ગબો’ ઝડપાયો.
  • મોટો જથ્થો: ઇનોવા ગાડીમાંથી વિદેશી દારૂની 2733 બોટલ મળી આવી.
  • ફરાર આરોપીઓ: દારૂ ભરી આપનાર વાડીના જુબેર મેમણ અને રાકેશ ઉર્ફે બોસ ઠાકોરની શોધખોળ શરૂ.
  • ગુનાહિત રેકોર્ડ: બે વાર પાસા ભોગવનાર આરોપી ફરી સકંજામાં, સયાજીગંજ પોલીસ તપાસમાં.

વડોદરા: વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારના આદેશ અનુસાર, દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે સક્રિય બનેલી PCB ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. પૂજા હોટલ પાસેથી સફેદ કલરની ઇનોવા ગાડીમાં મોટા પાયે વિદેશી દારૂ ભરીને નીકળેલા કુખ્યાત બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગબો કીરીટસિંહ રાજને પોલીસે દબોચી લીધો છે.

શું હતી ઘટના?

PCB ના પીએસઆઈ વાય.વી. પટેલ તથા એએસઆઈ જીગ્નેશભાઈને મળેલી ચોક્કસ બાતમી મળી હતી કે, ગોરવા સ્થિત સ્વામી વિવેકાનંદ હાઈટ્સમાં રહેતો કુખ્યાત ગબો રાજ સફેદ ઇનોવા ગાડી (GJ-23-CC-4555) માં વિદેશી દારૂ ભરીને વડોદરા શહેરમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પીસીબીની ટીમે પૂજા હોટલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

🧐મોટો મુદ્દામાલ જપ્ત:

પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 2733 બોટલ, જેની કિંમત રૂ. 6,27,380 થાય છે, તે કબજે કરી છે. દારૂ ઉપરાંત ગાડી, બે મોબાઈલ અને રોકડ મળીને કુલ રૂ. 16,37,880 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો વાડી વિસ્તારના જુબેર સફી મેમણ અને રાકેશ ઉર્ફે બોસ ઠાકોર દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેઓ હાલ ફરાર છે.

🚨આરોપીનો ગુનાહિત ઈતિહાસ:

પકડાયેલો આરોપી ગબો રાજ અગાઉ પણ અનેક પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે ગોરવા, સયાજીગંજ, લક્ષ્મીપુરા સહિતના પોલીસ મથકોમાં ડઝનબંધ ગુના નોંધાયેલા છે. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને પગલે અગાઉ બે વખત તેની સામે પાસા (PASA) ના હુકમો પણ થઈ ચૂક્યા છે, તેમ છતાં તે ફરીથી દારૂના કાળા કારોબારમાં સક્રિય જોવા મળ્યો હતો. હાલમાં સયાજીગંજ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Trending

Exit mobile version